Site icon Revoi.in

ચોમાસામાં બાળકોને બીમાર થવાથી બચાવો, અપનાવો માત્ર આ સરળ ટિપ્સ

Social Share

ચોમાસાની ઋતુ આવે ને તેની સાથે જ મચ્છરજન્ય બીમારીની શરૂઆત થઈ જતી હોય છે. આવા સમયમાં યુવાનો તો બીમાર થયા પછી બચી શકે છે કોઈ મોટી સમસ્યા થતી નથી પરંતુ બાળકોને આ બીમારીથી બચાવવા ખુબ જરૂરી છે. તો બાળકોને આ મચ્છરજન્ય બીમારીથી બચાવવા માટે કરો આ ટિપ્સનો ઉપયોગ.

ચોમાસાની સિઝનમાં બાળકોની ખાસ કાળજી રાખવી પડે છે. આ ઋતુમાં ગરમી અને ઠંડી બંનેનો અનુભવ થાય છે. તેમજ મચ્છરની ઉત્પત્તિ પણ વધે છે. આવી સ્થિતિમાં બાળકોને હળવા પણ શરીર ઢાંકી દે તેવા કપડા પહેરવા જોઈએ. આ ઋતુમાં બાળકોને સુતરાઉ કપડાં પહેરવા હિતાવહ છે.

ચોમાસાની ઋતુને બીમારીઓની સિઝન પણ કહેવામાં આવે છે. તેમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધે છે. ચોમાસામાં મેલેરિયા, ડેન્ગ્યૂ, ચિકનગુનિયા અને ઝીકા વાયરસ સહિતની બીમારીઓ માથું ઉંચકે છે. આ ઉપરાંત તાપમાનમાં આવતા ઉતાર-ચઢાવના કારણે શરદી-ઉધરસની તકલીફ વધે છે.

હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે તબીબો તંદુરસ્ત રહેવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સલાહ આપી રહ્યા છે. અલબત્ત ચોમાસામાં બાળકોને બીમારીઓથી બચાવીને રાખવા સરળ નથી. આ ઋતુમાં બાળકો વધુ પ્રમાણમાં બીમાર પડે છે.

ચોમાસાની ઋતુમાં બાળકોને દરરોજ નવડાવવા જરૂરી છે. નવડાવો તે પહેલા નવશેકા તેલની માલિશ કરવી સારી રહે છે. હવામાન ખરાબ હોય તો હૂંફાળા પાણીથી નવડાવો. ચોમાસામાં મચ્છરની ઉત્પત્તિ વધે છે. જેથી શક્ય હોય ત્યાં સુધી આસપાસ પાણી ભરાય નહીં તેનું ધ્યાન રાખો. રૂમમાં મોસ્કિટો લિક્વિડનો ઉપયોગ કરો. બાળકો ઢંકાય તે પ્રકારના કપડાં પહેરાવો અને રાત્રે મચ્છરદાનીનો પ્રયોગ કરવો ખૂબ જરૂરી છે.