Site icon Revoi.in

સુરત શહેરમાં અકસ્માતો ઘટાડવા માટે હવે ફુલસ્પીડમાં દોડતા વાહનચાલકો સામે પગલાં ભરાશે

Social Share

સુરત:  શહેરમાં કેટલાક વાહનચાલકો બેફામ ઝડપે વાહનો ચલાવતા હોવાથી અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે શહેરની ટ્રાફિક પોલીસે વધુ તેજગતિએ બેફામ વાહનો ચલાવતા વાહનચાલકો સામે પગલાં ભરવાનો નિર્ણય લીધો છે.શહેરની  ટ્રાફિક પોલીસને રાજ્ય સરકાર દ્વારા 30 સ્પીડ ગન ફાળવવામાં આવી છે અને હવે ટ્રાફિક પોલીસ આ સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકોને દંડ કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં અત્યાર સુધી ટ્રાફિક પોલીસ પાસે એક જ સ્પીડ ગન હતી પરંતુ હવે રાજ્ય સરકારે 30 સ્પીડ ગન ફાળવી હોવાના કારણે સ્પીડ ગનની સંખ્યા 31 થઈ છે. જેથી હવે પ્રતિદિન ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં અલગ અલગ 31 જેટલા પોઇન્ટ પર આ સ્પીડ ગનની મદદથી ઓવર સ્પીડમાં વાહન ચલાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમારએ જણાવ્યું હતું કે, સુરત શહેરમાં 2018માં ફેટલ અકસ્માતની સંખ્યા 325 હતી. જે 2022માં 293 થઈ હતી. જ્યારે  2018માં કુલ અકસ્માતની ઘટના 1177 હતી જે 2022માં 886 થઈ છે એટલે કે 2018ની તુલનામાં 2022માં 329 અકસ્માતના કેસમાં ઘટાડો થયો છે. શહેરમાં 45 ટકા અકસ્માતો જે થાય છે તે ઓવર સ્પીડિંગના કારણે થાય છે અને 7 ટકા અકસ્માત ભયજનક ઓવરટેક કરવાના કારણે થાય છે. શહેરમાં બાઈક માટેની સ્પીડ 50 કિલોમીટર પ્રતિ કલાક, થ્રી વ્હીલર માટે 40 કિલોમીટર પ્રતિ કલાક અને કાર માટે 60 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ નક્કી કરવામાં આવી છે અને જો આ ગતિથી કોઈ વાહન ચાલક વધુ સ્પીડથી વાહન ચલાવશે તો પોલીસ દ્વારા તાત્કાલિક જ વાહન ચાલકને દંડ કરવામાં આવશે. દંડની વાત કરવામાં આવે તો ટુ વ્હીલર માટે 1500, ફોરવીલર અને થ્રી વ્હીલર માટે 2000 અને મોટા વાહનો માટે 4000 રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. (File photo)