સુરતઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનનો પ્રિ- મોનસૂન કામગીરી નિષ્ફલ નિવડી છે. શહેરના ઘણાબધા વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં જ રોડ-રસ્તાઓ પર પાણી ભરાય જાય છે. અને ગરટો ઊભરાય રહી છે. ત્યારે શહેરના વરાછા ઝોનના પૂણા વિસ્તારમાં છેલ્લા 6 દિવસથી સતત ગટરો ઊભરાય રહી છે. અને ફરિયાદો છતાંયે તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા કોંગ્રેસે સ્થાનિક રહિશોની મદદથી ઊભરાતી ગટરો ર ભાજપના ઝંડા લગાવીને વિરોધ કરતા મ્યુનિના અધિકારીઓ દોડી આવ્યા હતા. અને ત્વરિત કામગીરી શરૂ કરી હતી.
સુરતમાં ભુવા હોય કે પછી ખાડા હોય કે ઉભરાતી ગટર હોય ત્યાં બધે જ ભાજપના ઝંડા લગાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં પુણા વિસ્તારના લોકોએ પણ ઉભરાતી ગટર પર ભાજપના ઝંડા લગાવી વિરોધ પ્રદર્શન કરતા તંત્ર દોડતું થયું અને ઝડપથી કામગીરી શરૂ કરી હતી.
સુરત શહેરના વરાછા ઝોનના પુણા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી અને ડ્રેનેજની સમસ્યા જોવા મળી રહી હતી અને લોકો તેનો વિરોધ કરી ફરિયાદ પણ કરી રહ્યા હતા. સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ સમસ્યાનો ઉકેલ લાવવા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ સફળતા મળી નહતી., હાલ ચોમાસા દરમિયાન આ વિસ્તારના લોકો માટે ઉભરાતી ડ્રેનેજ મોટી સમસ્યા બની છે. હાલમાં પુણાની વિક્રમ નગર સોસાયટી, સંતોષી કૃપા સોસાયટી, નેતલદે પાર્ક સોસાયટી, ચામુંડા નગર સોસાયટીઓમાં છ દિવસથી ડ્રેનેજ ઉભરાઈ રહી છે સ્થાનિકો દ્વારા મ્યુનિને ફરિયાદ કરવામા આવી હતી પરંતુ કોઈ કામગીરી થતી નહોતી. જેના કારણે ઉશ્કેરાયેલી સોસાયટીની મહિલાઓ અને અન્ય લોકોએ મ્યુનિની કામગીરી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉભરાતી ગટર પર ભાજપનો ઝંડો લગાવીને શાસકો કામગીરીમાં નિષ્ફળ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. છ દિવસ સુધી ઝોન દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી પરંતુ ઉભરાતી ગટર પર ભાજપના ઝંડા લગાવતા તંત્ર દોડતું થયું હતું અને ગટરની સફાઈ કામગીરી હાથ ધરી હતી.