Site icon Revoi.in

સુરતમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે 40 સર્કલો નાના કરીને અડચણરૂપ 139 બમ્પ દુર કરાયા

Social Share

સુરતઃ શહેરમાં વસતી વધારા સાથે વાહનોની સંખ્યામાં પણ ખાસ્સો વધારો થયો છે. તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ વકરી રહી છે. શહેરમાં કેટલાક વિસ્તારોમાં ચાર રસ્તાઓ પરના મોટા સર્કલોને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા આથી મ્યુનિ.કોર્પોરેશને પોલીસના સહયોગથી 40 જેટલા સર્કલોને નાના બનાવીને તેમજ જરૂરી ન હોય એવા 139 બમ્પ દુર કરવામાં આવતા વાહનચાલકોએ રાહત અનુભવી છે.

સુરત મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલની અમલવારીમાં નડતી મુશ્કેલી દુર કરવા માટે મ્યુનિના અને પોલીસના અધિકારીઓ વચ્ચે સંકલન બેઠક યોજાયા પોલીસ વિભાગની સૂચનાથી શહેરના કેટલાક સર્કલો નાના કરાયા હતા. જ્યારે કેટલાક સર્કલો દૂર કરવા સાથે સાથે 139 બમ્પ દૂર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી સુચના બાદ મ્યુનિ.કોર્પોરેશને શહેરમાં 20 સર્કલ દૂર કરી દીધા છે જ્યારે 20 સર્કલ એવા હતા જે નાના કરી દીધા છે. મ્યુનિ.કોર્પોરેશન અને પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે બીન જરૂરી બમ્પ પણ દુર કરવામાં આવ્યા હતા.

સુરત શહેરમાં કેટલાક ટ્રાફિક સિગ્નલો વાહનચાલકો માટે સમસ્યારૂપ બની રહ્યા છે.  ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ શરૂ કર્યા બાદ અનેક મુશ્કેલીઓ પડતા ઘણી જગ્યાએ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેથી ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ સુદઢ બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન અને પોલીસ વચ્ચે સંકલન બેઠક મળી હતી. આ બેઠક બાદ પોલીસ દ્વારા ચાર રસ્તા પર સ્પીડ બ્રેકર (બમ્પર) દુર કરવા તેમજ કેટલાક ટ્રાફિક સર્કલ ટ્રાફિક સમસ્યા માટે આફતરૂપ છે તેને દુર કરવા તથા કેટલાક સર્કલની ડિઝાઇન બદલીને નાના કરવા માટે સુચના આપવામાં આવી હતી.

આ બેઠક બાદ મ્યુનિના સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે તમામ ઝોનના અધિકારીઓ સાથે બેઠક કરીને મ્યુનિ.એ બનાવેલા સર્કલ અને પીપીપી મોડલમાં બનેલા સર્કલ દુર કરવા કે નાના કરવા માટે સૂચના આપી દીધી હતી. આ સુચના બાદ હાલમાં સુરત શહેરમાં 137 જેટલા સ્પીડ બ્રેકર દૂર કરી દેવામાં આવ્યા છે જ્યારે 20 સર્કલ દુર કરી દેવામા આવ્યા છે અને ટ્રાફિકથી ધમધમતા એવા અઠવા ઝોનમાં 20 સર્કલને રાત્રી દરમિયાન કામગીરી કરીને નાના કરવામાં આવ્યા છે. મ્યુનિ.એ હાલ જે કામગીરી કરી છે તેમાં શહેરના અઠવા ઝોનમાં સૌથી વધુ 37 બમ્પ દૂર કરાયા છે, તથા અઠવા ઝોનમાં જ સૌથી વધુ 7 સર્કલ દૂર કરવામા આવ્યા છે.