અમદાવાદઃ શહેરમાં વધતી જતી વસતીને લીધે વાહનોની સંખ્યામાં વધારો થયો છે. રોડ પર વાહનોની ગીચતાને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય રહ્યા છે. લોકો પોતાના વાહનોને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાનો વધુ ઉપયોગ કરે તે માટે એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો ટ્રેન સેવા પણ કાર્યરત છે. શહેરમાં કેટલાક સ્થળોએ મેટ્રો બ્રિજના પિલ્લરોને કારણે રોડ સાંડકા પણ થઈ ગયા છે. ત્યારે થલતેજથી શીલજ તરફ જતાં રસ્તા પર મેટ્રો પિલ્લરને કારણે સાંકડા થઇ ગયેલા રસ્તા પર 106 મિલક્તોમાં કપાત કરીને રોડને પહોળો કરાશે.
એએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના થલતેજ -શિલજ રોડ પર મેટ્રો પિલ્લરોને કારણે રસ્તો સાંકડો બની જતાં રોડ પહોળો કરવા માટે અગાઉ 400 જેટલી મિલ્કતોને કપાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતોય પણ સ્થાનિક લોકોએ વિરોધ કરતા હવે માત્ર 106 મિલ્કતોને કપાત કરાશે. રોડ પહોળો થવાથી આ વિસ્તારમાંથી પસાર થતાં રોજના 50 હજાર જેટલા વાહનચાલકોને મુશ્કેલીમાં રાહત મળશે. અગાઉ આ વિસ્તારમાં 400 થી વધારે મકાનો તૂટવાના હતા તેને બદલે રોડ વધારે પહોળો કરવાને બદલે સામાન્ય પહોળો કરવાનું આયોજન કરતાં અનેક મિલકતો બચી જશે.
સૂત્રોના કહેવા મુજબ થલતેજ- શિલજ રોડ પર મેટ્રોને કારણે કેટલાક એપાર્ટમેન્ટ તેમજ 250 થી વધારે ઝુંપડપટ્ટી પણ સહિત 400 થી વધારે મકાનોને તોડવા પડે તેવી સ્થિતિ હતી. સ્થાનિક કક્ષાએ ભારે વિરોધ શરૂ થયો હતો. જેમાં રાજ એવન્યુ, અભિકમ એપાર્ટમેન્ટ, તથા કેટલાક ઝુંપડા કપાતમાં જતા આ બાબતે રજૂઆતો થઇ હતી. દરમિયાન 36 મીટરના રોડને નાનો કરવા માટે રજૂઆતો થઇ હતી. ત્યારબાદ લોકો પાસે વાંધા અરજી મંગાવાઈ હતી. જે વાંધા અરજીમાં કેટલાક રહીશોએ તેમને થલતેજ વિસ્તારમાં જ આટલા જ વારના બાંધકામના ફ્લેટ આપવા કે તેની બજાર કિંમત પ્રમાણે નાણાં ચૂકવવા રજૂઆત કરાઇ હતી. મ્યુનિ.ને 106 વિવિધ વાંધા મળ્યા હતા. જેમાં કપાત સામે વિરોધ કરાયો તેમજ કેટલાક લોકોએ તૈયારી દર્શાવી હતી. જોકે તે માટે વાંધા આપનાર લોકોની સુનાવણી બાદ મ્યુનિ.એ આ તમામ વાંધા અરજીઓ ફગાવી દીધી હતી. સાથે કપાત માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે દરખાસ્ત કરાઈ છે. આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં આ બાબતે પગલા લેવાય તેવી શક્યતા છે.