Site icon Revoi.in

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રજાનો વિશ્વાસ જીતવા તમામ મંત્રીઓની કાલથી જન આશીર્વાદ યાત્રા

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને લોકસંપર્ક વધારવા માટે સુચના આપી છે. રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. એવામાં પાટીદારોની નારાજગી અને કોરોનાની બીજી લહેરમાં સરકારની કામગીરી સામે લોકોમાં રોષને જોતા સરકારના તમામ 24 મંત્રીઓ આવતીકાલ તા.30મી સપ્ટેમ્બરથી જન આશીર્વાદ યાત્રા કાઢીને લોક સંપર્ક વધારશે.

ગુજરાતમાં તત્કાલિન સરકાર સામે લોકોની નારાજગી વધતા ભાજપ હાઈ કમાન્ડે આખે આખી સરકાર બદલી નાખી અને મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ સુધીમાં ફેરફાર કરી દેવાયો હતો. ત્યારે ચૂંટણી અગાઉ ફરી લોકોનો વિશ્વાસ જીતવા માટે ભાજપ હવે નવા મંત્રીઓને પ્રજાની વચ્ચે મોકલશે. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ચુંટણીઓમાં જે રીતે પ્રજાએ ખોબલેને ખોબલે મત આપી ભાજપની વિકાસની રાજનીતિ સ્વીકારીને સતત આશીર્વાદ આપતા રહ્યા છે. તે માટે પ્રજાનું ઋણ સ્વીકાર કરવા “જન આશીર્વાદ યાત્રા” થકી નવ નિયુક્ત મંત્રીઓ પ્રજાના દ્વાર સુધી જશે.

ભારતીય જનતા પાર્ટી અખબારી યાદીમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના નવ નિયુક્ત મંત્રીઓ પ્રજાની વચ્ચે જઈ પ્રજાના આશીર્વાદ મેળવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વ વાળી સરકારની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને ભાજપા સરકાર દ્વારા કરાયેલા કાર્યો પણ પ્રજા સુધી પહોંચે તે હેતુસર પ્રજાના આશીર્વાદ મેળવવા માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જન આશીર્વાદ યાત્રા 30 સપ્ટેમ્બરથી 3 ઓકટોબર અને 7 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી યોજાશે. (file photo)