Site icon Revoi.in

આજે દુનિયાનો દરેક દેશ ભારત સાથે બિઝનેસ કરવા ઈચ્છુંકઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Social Share

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના નવા કાર્યાલયનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, CAG અને સરકાર સામસામે હોવાની વર્ષો જૂની માન્યતા  બદલીને CAG સરકાર સાથે સાથે રહે તેમજ CAGના સૂચનોને પોઝિટિવ એપ્રોચથી સ્વીકારવાની કાર્યપ્રથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે અપનાવી છે.

વડાપ્રધાન એ ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારથી કેગ દ્વારા કરવામાં આવતાં ઓડિટના સૂચનને હંમેશા હકારાત્મક રીતે લીધા છે. એટલું જ નહિ, સુદૃઢ નાણાંકીય વ્યવસ્થાપનથી પ્રજાના નાણાનો વિકાસકામો માટે સુચારું ઉપયોગ કર્યો છે. તેના પરિણામે આજે ગુજરાતે તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. વર્ષ 1995માં રાજ્યનું બજેટ માત્ર 12 હજાર કરોડ રૂપિયા હતું તે વધીને આ વર્ષે 3 લાખ કરોડથી પણ વધુનું થયું છે, જે રાજ્યના નાણાંકીય વ્યવસ્થાપન અને કરકસરપૂર્વકના વહીવટની સાબિતી છે.  ગત એપ્રિલમાં 1.78 લાખ કરોડનું રેકોર્ડબ્રેક જીએસટી કલેક્શન સૂચવે છે કે દેશના દરેક ક્ષેત્રમાં ધંધા રોજગારનું પ્રમાણ સારું છે.  ઉદ્યોગ-વ્યવસાય માટે જરૂરી એવી વીજળી, પાણી અને તમામ પ્રકારની કનેક્ટિવિટી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

તાજેતરના ભારત સરકારના એક અહેવાલ મુજબ ગુજરાત સૌથી વધુ રોજગારી પૂરું પાડતું રાજ્ય છે. રાજ્ય સરકાર દ્વારા યોજાતી વાયબ્રન્ટ ગુજરાત સમિટે દેશ અને દુનિયાને ઉદ્યોગ-ધંધા માટે સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દુનિયાનો દરેક દેશ ભારત સાથે બિઝનેસ કરવા ઈચ્છે છે અને એમાંય ગુજરાત ઉદ્યોગ-વ્યવસાય માટે મોસ્ટ ફેવર્ડ ડેસ્ટિનેશન રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ અત્યાર સુધી અમદાવાદ અને રાજકોટ એમ બે સ્થળે કાર્યરત AG ઓફિસ હવે પાટનગર ગાંધીનગરમાં આવનારા દિવસોમાં કાર્યરત થશે. તેથી પરસ્પર સંકલન વધુ સક્ષમ-ઝડપી બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.