અમદાવાદમાં આજે ગણેશ વિસર્જન, 57 કૂંડ તૈયાર કરાયા, પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાશે,
અમદાવાદઃ ગણેશ વિસર્જનને લઈને શહેર પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં 4 હજારથી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ખાસ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ચાંપતી નજર રાખશે. SRP અને રેપિડ એક્શનની ફોર્સ પણ તૈનાત કરવામાં આવશે. આજે દિવસ દરમિયાન ગણેશ વિસર્જન થવાનું છે ત્યારે ગણેશ વિસર્જનમાં કોઈ વિઘ્ન ના આવે તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.
અમદાવાદ શહેરમાં આજે શુક્રવારે ગણેશ વિસર્જન માટે 46 જેટલી મોટી શોભાયાત્રા નીકળશે. વિસર્જન માટે મ્યુનિ.દ્વારા 57 કુંડ તૈયાર કરવામાં આવ્યા છે. શહેરમાં 15 DCP, 20 ACP, 65 PI, 170 PSI સહિતની પોલીસ ફોર્સ બંદોબસ્તમાં હાજર રહેશે. આ ઉપરાંત 4200 પોલીસ કોન્સ્ટેબલ અને 3450 હોમગાર્ડ જવાન પણ બંદોબસ્તમાં હાજર રહેશે. 11 SRPની કંપની તેમજ 1 રેપિડ એક્શન ફોર્સની ટૂકટી પણ તૈનાત કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ વિસર્જન સાબરમતી નદીમાં કરી શકાશે નહીં. જે પણ વિસર્જન કરવા જશે તે લોકોને AMCના વિસર્જન કુંડમાં ગણપતિ વિસર્જન કરવા પડશે. વિસર્જન વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે દરેક વિસર્જન કુંડ પર AMC અને ફાયરની ટીમ તૈનાત રહશે. આ સાથે જ સંવેદનશીલ વિસ્તારમાં ડીપ પોઇન્ટ ગોઠવામાં આવશે. તેમજ નદી કિનારાના વિસ્તારમાં SRPની ટીમ તૈનાત રહેશે.
કોરોનાના બે વર્ષ બાદ હર્ષોઉલ્લાસ સાથે ગણેશોત્સવનું આયોજન કરાયું છે ત્યારે અનેક ગણેશ પંડાલોમાં સાર્વજનિક ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. આજે શુક્રવારે ભાવિકો ગણપતિ બાપા મોરયાના નાદ સાથે ગણપતિનું વિસર્જન કરશે.