આજે ગીતા જયંતી,અહીં જાણો ભગવદ્ ગીતા પ્રાગટ્ય અને માહાત્મ્ય વિશે
માગશર સુદ અગિયારસ એટલે કે આજના દિવસે જગતગુરુ ભગવાન શ્રીકૃષ્ણના સ્વયં મુખે ગીતાજીનું અવતરણ થયું હતું, ત્યારથી આજના દિવસે ગીતા જયંતીનો પાવન પર્વ મનાવવામાં આવી રહ્યો છે.ગીતા એ તમામ હિન્દુ ધર્મના ધર્મ ગ્રંથ તરીકે આજે પણ પૂજવામાં આવે છે, કોઈપણ હિંદુ ધર્મ કે દેવી-દેવતાઓમાં આસ્થા ધરાવતો ભાવિક તેના જીવનકાળ દરમિયાન ગીતાના જ્ઞાનનુ તેમના જીવનમાં અનુકરણ અને તે મુજબની જીવન પદ્ધતિ જીવી શકાય તેને લઈને ગીતાનું અધ્યયન કરતા હોય છે.
ગીતા સમગ્ર વિશ્વનો એકમાત્ર ધર્મગ્રંથ છે, કે જેની જન્મ જયંતી ઉજવવામાં આવતી હોય ગીતાજીનું મહત્વ એટલા માટે પણ વધારે છે કે, તેમનું અવતરણ જગતગુરુ શ્રી કૃષ્ણના સ્વમુખે થયેલું છે, જેને લઇને પણ હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવનાર ભાવિકો ગીતાજીને આદર્શ ધર્મગ્રંથ માની રહ્યા છે.
મહાભારતનું યુદ્ધ શરૂ થાય તે પૂર્વે જ અર્જુનને વિષાદ થયો. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કર્મ-અકર્મ, ધર્મ-અધર્મની સમજ આપી તેના વિષાદને અને ભ્રમને દૂર કર્યો. એટલું જ નહીં, જીવનમાં સુખી અને સફળ બનવાનો ઉપદેશ આપ્યો. કહે છે કે શ્રીકૃષ્ણએ અર્જુનને જે દિવસે આ જ્ઞાન આપ્યું, તે દિવસ મોક્ષદા એકાદશીનો હતો. માગશર સુદ એકાદશીની તિથિ જ મોક્ષદા એકાદશી અને ગીતા જયંતી તરીકે ઓળખાય છે. સમગ્ર વિશ્વમાં કોઇપણ ગ્રંથની જયંતી નથી ઉજવાતી. ભગવદ્ ગીતા જ એકમાત્ર એવો ગ્રંથ છે કે જેના પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે.
સનાતન ધર્મમાં ભગવદ્ ગીતાને પવિત્ર ગ્રંથ મનાય છે.સર્વપ્રથમ ભગવાન શ્રીકૃષ્ણએ જ તેમના સખા અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું. આ ગ્રંથમાં 18 અધ્યાય છે. તેમાં જીવનનો સંપૂર્ણ સાર દર્શાવવામાં આવ્યો છે. સાથેજ ધાર્મિક, કાર્મિક, સાંસ્કૃતિક અને વ્યવહારિક જ્ઞાન પણ આપવામાં આવ્યું છે. કહે છે કે આ ગ્રંથનું અધ્યયન અને અનુસરણ કરવાથી વ્યક્તિની દિશા અને દશા બંને બદલાઇ જાય છે. સાથે જ વ્યક્તિ મૃત્યુ પછી ભગવાનના ધામની પ્રાપ્તિ કરે છે.