Site icon Revoi.in

આજે હિન્દી દિવસ,ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

Social Share

દિલ્હી:દેશમાં આજે એટલે કે 14 સપ્ટેમ્બરના હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરના હિન્દી ભાષી લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે દેવનાગરી લિપિમાં હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે.

અમિત શાહે ટ્વિટ કર્યું, લાગણી વ્યક્ત કરવા માટે ભાષા સૌથી શક્તિશાળી માધ્યમ છે. હિન્દી આપણી સાંસ્કૃતિક ચેતના અને રાષ્ટ્રીય એકતાનો પાયાનો આધાર છે તેમજ પ્રાચીન સભ્યતા અને આધુનિક પ્રગતિ વચ્ચેનો સેતુ છે. મોદીજીના નેતૃત્વમાં અમે હિન્દી અને તમામ ભારતીય ભાષાઓના સમાંતર વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છીએ.

હિન્દી દિવસ કેમ મનાવવામાં આવે છે

14 સપ્ટેમ્બરે હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારવામાં આવી હતી. 14 સપ્ટેમ્બર 1949 ના રોજ વ્યોહાર રાજેન્દ્ર સિંહાના 50 મા જન્મદિવસે હિન્દીને સત્તાવાર ભાષા તરીકે અપનાવવામાં આવી હતી, અને તે પછી, પ્રચાર-પ્રસારને આગળ વધારવાના પ્રયત્નોમાં તેજી આવી. આ નિર્ણય 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતના બંધારણ દ્વારા અમલમાં આવ્યો હતો. દેવનાગરી લિપિમાં લખાયેલી હિન્દીને ભારતીય બંધારણની કલમ 343 હેઠળ સત્તાવાર ભાષા તરીકે અપનાવવામાં આવી હતી.

કોણ છે વ્યોહાર રાજેન્દ્ર સિંહા

વ્યોહાર રાજેન્દ્ર સિંહા હિન્દી સાહિત્યકાર હતા જેમણે હિન્દીને સત્તાવાર ભાષા બનાવવા માટે લાંબો સંઘર્ષ કર્યો હતો.હિન્દીને સત્તાવાર ભાષા તરીકે માન્યતા અપાવવા માટે ઘણા હિન્દી સાહિત્યકારોએ દક્ષિણ ભારતની ઘણી યાત્રાઓ કરી હતી. ત્યાં જઈને, લોકો હિન્દી વિશે સમજવા લાગ્યા, તેની ઉજવણી કરવામાં આવી. રાજેન્દ્ર સિંહની સાથે, કાકા કાલેલકર, મૈથિલીશરણ ગુપ્તા, હજારીપ્રસાદ દ્વિવેદી, મહાદેવી વર્મા, શેઠ ગોવિંદદાસ પણ આમાં સામેલ હતા.