- આજે રાષ્ટ્રીય ડોકટર દિવસની કરાઈ રહી છે ઉજવણી
- ડોક્ટર્સના યોગદાનને સમર્પિત કરવાનો દિવસ
- ઘણા દિવસોમાં અલગ-અલગ દિવસે મનાવાય છે આ દિવસ
દર વર્ષે 1 જુલાઇએ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ ડોક્ટર્સના યોગદાનને સમર્પિત છે અને આ દિવસે સામાન્ય જનતાને ડોક્ટર્સના મહત્વ વિશે જાણકારી આપવામાં આવે છે. ડોક્ટર્સને હંમેશા ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. એવું એટલા માટે કારણ કે તેઓ હંમેશા પોતાનો સમય અને જીવની ચિંતા કર્યા વગર પોતાના દર્દીઓનો જીવ બચાવવાનો પ્રયાસ કરે છે. કોરોના કાળમાં ડોક્ટર્સે આ વાતને ખરા અર્થમાં સાબિત કરી છે.
મહામારીની વચ્ચે એવા ઘણા હીરો હતા જેઓ ધાતક વાયરસથી બચાવવા માટે સફેદ લેબ કોટમાં ઉભરી આવ્યા હતા. તેથી માનવજાત માટેના તેમના યોગદાન બદલ તેમનો આભાર માનવા અને સલામી આપવા માટે રાષ્ટ્રીય ડોકટર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વિશેષ દિવસ 1 લી જુલાઈએ ઉજવવામાં આવે છે. આ દિવસની સ્થાપના સૌ પ્રથમ 1991 માં કરવામાં આવી હતી અને ત્યારથી દેશભરમાં દર વર્ષે રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે.
પ.બંગાળના મુખ્યમંત્રી ડો. બિધાનચંદ્ર રોયની યાદમાં વર્ષ 1991 થી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં આ ઉજવણી કરવામાં આવે છે.પ.બંગાળના બીજા મુખ્યમંત્રી ડો. બિધાનચંદ્ર રોયનો જન્મ 1 જુલાઇ 1882 પટણામાં થયો હતો. કલકત્તામાંથી તબીબી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડો. રોયે લંડનમાંથી એમ.આર.સી.પી અને એફ.આર.સી.એસ ની ડીગ્રી મેળવી. 1911 માં તેઓ ભારત પાછા ફર્યા અને ફીઝીશીયન તરીકે ભારતમાં જ તેમની તબીબી કારકીર્દીની શરૂઆત કરી. ત્યાર બાદ તેઓ કલકત્તા મેડિકલ કોલેજ અને કેમ્પબેલ મેડિકલ સ્કુલમાં જોડાયા. તેઓ ખૂબ જ જાણીતા ફીઝીશીયન અને શિક્ષણવિદ્ હતા. મહાત્મા ગાંધીની સવિનય કાનૂનભંગની ચળવળમાં જોડાયા.
ડો.રોય ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતાપદ પણ શોભાવ્યું હતું. ડોકટર તરીકે તેમણે દેશના નાગરિકોની નિઃસ્વાર્થ સેવા કરીને અભૂતપૂર્વ લોકચાહના મેળવી હતી.1 જુલાઇ 1962 માં ડો. રોયના દુઃખદ નિધન બાદ તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ”ભારતરત્ન”થી મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડોક્ટર્સ ડેની ઉજવણી માત્ર ભારતમાં જ નહીં પરંતુ જુદા જુદા દેશોમાં જુદી જુદી તારીખો પર કરવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, તે 30 માર્ચ, ક્યુબામાં 3 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, જ્યારે ઇરાનમાં 23 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. માર્ચ 1933 માં, યુ.એસ. જ્યોર્જિયા રાજ્યમાં પ્રથમ વખત ડોક્ટર ડેની ઉજવણી કરવામાં આવી.
કોવિડ મહામારીના આ સમયમાં ડોકટરો અને નર્સોએ ફ્રન્ટલાઈન યોદ્ધાઓની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી. તેમના વિના બધા અધૂરા છે. આ દરમિયાન તેમણે લોકોને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને તેમને સુધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યા. મોટી સંખ્યામાં લોકો પણ સાજા થયા. તબીબોને તેઓએ તારણહાર હોવાને કારણે ભગવાનનો દરજ્જો આપ્યો છે.