Site icon Revoi.in

પાટનગર ગાંધીનગરનો આજે 60મો સ્થાપનાદિન, 6 દાયકામાં શહેરએ વિકાસની હરણફાળ ભરી

Social Share

ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગર આજે પોતાનો 60મો જન્મ દિવસ છે. ગાંધીનગર એ 6 દાયકાની સફરમાં ઘણીબધી પ્રગતિ કરી છે, શહેરની વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થતાં અમદાવાદના સીમાડા સુધી નવી વસાહતો ઊભી થઈ ગઈ છે, તેના લીધે અમદાવાદ અને ગાંધીનગર ટ્વીનસિટી બની રહ્યું છે. બન્ને શહેરો વચ્ચે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં પણ વધારો કરવાની ફરજ પડી છે. એસટી નિગમે વાતાનૂકૂલિત ડબલ ડેકર બસો શરૂ કરી છે. ઉપરાંત એકાદ બે મહિનામાં મેટ્રો ટ્રેન પણ દોડતી થઈ જશે. શહેરમાં અક્ષર પુરશોત્તમ મંદિર, ઈન્દ્રોડા પાર્ક, સુંદર બાગ બગીચાઓ, ગિફ્ટસિટી, મહાત્મા મંદિર સહિતના સ્થળોએ બહારગામથી આવતા લોકો અવશ્ય મુલાકાત લે છે. અને  હવે સાબરમતી નદી પર બની રહેલો રિવરફ્રન્ટ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.

ગરવા ગુજરાતની 1960માં સ્થાપના થયા બાદ અમદાવાદની ભીડભાડથી દૂર શાંત અને રમણીય સ્થળે ગુજરાતની રાજધાની સ્થાપવાનો વિચાર કરાયો અને 2જી ઓગસ્ટ 1965ના રોજ ગાંધીનગરની સ્થાપનાની પ્રથમ ઇંટ મૂકાઇ હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સન્માનમાં શહેરનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું હતું. આ શહેરની ખાસિયત એ છે કે શહેર કોઇનું મૂળ વતન નથી, છતાં સૌના દિલમાં છે. છેલ્લા 5 દાયકામાં ગાંધીનગર ગુજરાતના કોઇપણ મોટા શહેરની સરખામણીએ સુવિધાસભર અને સુંદર બન્યું છે. શરૂઆતના સમયમાં માત્ર કર્મચારીઓના નગર તરીકે ઓળખાતા પાટનગરમાં હવે અનોખી વાયબ્રન્સી જોવા મળે છે. મહાત્મા મંદિર અને ગિફ્ટ સિટીએ તેને વૈશ્વિક ઓળખ અપાવી છે. મેટ્રો રેલની સુવિધા મેળવનાર રાજ્યનું બીજું શહેર બન્યું છે. રીયલ એસ્ટેટમાં પણ અમદાવાદ અને સુરતની હરોળમાં ઉભું છે. શૈક્ષણિક ક્ષેત્રમાં, ગાંધીનગરનું ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IITGN), નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) વગેરે દેશના શ્રેષ્ઠ સંસ્થાઓમાં ગણાય છે. આ સંસ્થાઓમાં દેશ-વિદેશના વિદ્યાર્થી અને પ્રોફેસર શૈક્ષણિક અને રિસર્ચ પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. આજના દિવસે 60 વર્ષના સફરમાં, ગાંધીનગર શહેર પોતાના ઉજવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે. ટેક્નોલોજી અને ઈનોવેશનના વિકાસ સાથે જોડાયેલા આ શહેરને ‘સ્માર્ટ સિટી’ તરીકે ડિઝાઇન કરવાનું આયોજન ચાલી રહ્યું છે. શહેરમાં હાલ ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે, જે શહેરના વિકાસને નવી ઉંચાઈઓ પર લઇ જશે.