રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવીને ઓળખ મેળવનાર દારા સિંહની આજે જન્મજયંતિ, જાણો તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો
- અભિનેતા અને કુસ્તીબાજ દારા સિંહની જન્મજયંતિ
- રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવીને મેળવી ઓળખ
- ફિલ્મ ‘સંગદિલ’થી પોતાના કરિયરની કરી શરૂઆત
મુંબઈ :આજે હિન્દી સિનેમાના દિગ્ગજ અને કુસ્તીબાજ દારા સિંહની જન્મજયંતિ છે. તેમનો જન્મ 19 નવેમ્બર 1928ના રોજ અમૃતસરના ધરચમૂક ગામમાં થયો હતો. તેમનું સાચું નામ દિદાર સિંહ રંધાવા હતું. દારા સિંહ ફિલ્મોમાં આવ્યા પહેલા કુસ્તીબાજ હતા. તેણે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું.
પરંતુ તેમના કરિયરને રામાનંદ સાગરની ‘રામાયણ’માં હનુમાનના પાત્રથી ઓળખ મળી. આ સિવાય તેઓ નિર્માતા અને લેખક પણ હતા. તેઓ રાજકારણમાં પણ સક્રિય હતા. આજે તેમના જન્મદિવસના ખાસ અવસર પર ચાલો જાણીએ તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.
દારા સિંહે 1952માં ‘સંગદિલ’થી હિન્દી ફિલ્મોમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં દિલીપ કુમાર અને મધુબાલા મુખ્ય ભૂમિકામાં હતા. આ પછી તેણે ફૌલાદ, રામ ભરોસે, મર્દ, મેરા નામ જોકર, ધર્માત્મા સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું. દારા સિંહે છેલ્લી વાર 2007માં આવેલી ‘જબ વી મેટ’માં કરીના કપૂરના દાદાની ભૂમિકા ભજવી હતી. દારા સિંહે પોતાનો સ્ટુડિયો પણ શરૂ કર્યો જેમાં તેઓ પંજાબી ફિલ્મો બનાવતા હતા. તેણે 7 પંજાબી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. તેણે 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.
દારા સિંહ 1998માં ભાજપમાં જોડાયા હતા. રાજ્યસભામાં નામાંકિત થનાર તેઓ પ્રથમ રમતવીર હતા. તેઓ 2003 થી 2009 સુધી રાજ્યસભાના સભ્ય હતા. આ ઉપરાંત જટ મહાસભાના પ્રમુખ પણ હતા.
1947માં સિંગાપોર આવ્યા હતા અને ડ્રમ ફેક્ટરીમાં કામ કરતા અને ત્યાં તેણે હરનામ સિંહ પાસેથી રેસલિંગની ટ્રેનિંગ લીધી.તેમની કુસ્તીના દાવ જોઈને મોટા મોટા કુસ્તીબાજોનો પરસેવો છૂટી જતો હતો. તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 200 કિલોગ્રામના કિંગ કોંગને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. આ સિવાય રુસ્તમ-એ-પંજાબ, રુસ્તમ-એ-હિંદ જેવા ટાઈટલ જીત્યા. 1968માં દારા સિંહે અમેરિકન ચેમ્પિયન લાઉં થેસને હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. તેની તસવીર 1996માં રેસલિંગ ઓબ્ઝર્વર ન્યૂઝલેટર હોલ ઓફ ફ્રેમમાં સામેલ કરવામાં આવી હતી. 1983માં તેણે કુશ્તીને અલવિદા કહી દીધું. દારા સિંહ ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનું કામ આજે પણ લોકોની યાદોમાં છે. રામાયણમાં તેમનું હનુમાનનું પાત્ર હંમેશ માટે અમર થઈ ગયું.