સુરેન્દ્રનગરઃ ગિરનાર પછીનો સૌરાષ્ટ્રનો જૂનામાં જૂનો ભૂભાગ એટલે વઢવાણ. વઢવાણ એવું ગામ નામ વર્ધન મહાદેવ કે વર્ધમાન મહાવીર પરથી પડ્યું છે, જે 2500 વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાનું મનાય છે ત્યારે ઋષિપાંચમે વઢવાણનો સ્થાપના દિવસ માનીને એક દાયકાથી ઊજવણી કરવામાં આવે છે. વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા આજે ભોગાવો નદીની આરતીનું આયોજન કરાયું હતું.
વઢવાણ તરીકે ઓળખાય તે તે વર્ધમાનપુરીનો આજે શનિવારે સ્થાપના દિન છે. ત્યારે આ નિમિત્તે બે હજાર બાળકોને ગાંઠીયા, બુંદી, ચણાનું ભોજન કરાવવામાં આવ્યું હતું તેમજ ભોગાવોનદીની આરતીનું આયોજન પણ કરાયું હતું. જેમાં શનિમંદિરે શનિવારે સવારે 10 કલાકે મહાઆરતીમાં રાજકીયપક્ષાપક્ષીથી દુર રહી તમામ સમાજના આગેવાનો રાજકીય પદાધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ વખતે દૂહો રચાયો હતો કે, ‘વારુંનગર વઢવાણ, ભાગોળે ભોગાવો વહે, ભોગવતો રા’ખેંગાર હવે ભોગવ ભોગાવાના ધણી ’ ઉજ્જૈનના પ્રખ્યાત રાજવિક્રમ બાપા ગધર્વસને વઢવાણમાં રાજ કર્યું હતું એમ કહેવાય છે કેમ કે, ગધૈપીળી નામનું એક તળાવ જેનું બીજું નામ ફાટસર ત્યાં પૂર્વાભિમુખના સ્વંયભૂ ગણેશની ચર્તુભૂજ આજે પણ બેઠી છે. આ ગણપતિ ફાટસર તળાવ પાસેથી કુંભાર લોકો તેમજ અન્ય લોકો મકાન માટે માટી ખોદે છે. ત્યારે કોઈવાર ઉંડે ઉંડે માટીની ખાણમાંથી ગધૈયા સિક્કા મળી આવે છે.
કલ્પસૂત્ર નામ જૈનશાસ્ત્રમાં જણાવ્યું છે કે, અસ્થિગ્રામ નામના આ સ્થળે ભગવાન મહાવીર પધાર્યા, રાતભર શૂણપાણ યજ્ઞને ઝઝુમતો રહેવા દઈ મહાવીરે તેના કૃપા કરી તેનો ઉદ્ઘાર કર્યો. ત્યારબાદ આ સ્થળ વર્ધમાનપુર તરીકે નામાભિધાન પામ્યું જે કાળક્રમે અપ્રભંશ થતા આજે વઢવાણ તરીકે ઓળખાય છે. હળવદના રાજચંદ્રસિંહજીના પાટવી કુંવર પૃથ્વીરાજજીએ સામંત તળાવમાં પાણી પાતા ઘોડા પાસે શિયાણીના દરબાર અદાજીના ઘોડા ઉ૫ર ચાબૂકના ઘા કર્યા તે વાતની રાજ સાહેબને ખબર પડતાં ઠપકો આપ્યો. આથી, પૃથ્વીરાજજી ગુસ્સે થઈ ત્યાંથી નીકળી વઢવાણમાં સંવત 1660માં જુદું રાજ્ય સ્થાપ્યુ હતું ચંદ્રસિંહજીને દાજીરાજ અને બાલાસિંહજી એમ કુંવરો હતા. જેમાં દાજીરાજે સને 1881માં રાજ્યની લગામ હાથ લીધી હી. 5 મે 1885ના રોજ દાજીરાજ સ્વર્ગસ્થ થયા તેમજ પછી બાલસિંહજી, ત્યારબાદ જશવંતસિંહજી, પછી જોરાવરસિંહજી અને છેલ્લે સુરેન્દ્રસિંહજી ગાદીએ આવ્યા હતા. આ સમયે ભારતને આઝાદી મળી અને રજવાડાઓનું વિલીનીકરણ થયું.
વઢવાણમાં બ્રાહ્મણો મોટા ભાગે વાઘેશ્વરી ચોક તરફ, માધાવાવ તરફ મોચી, ખાંડીપોળ ખત્રીની કહેવાતી, મુસ્લિમ રહેતાં તેને કસ્બો કહેવાતો, વોરાજી રહેતા તે વિસ્તારને વોરાવાડ, લીંબલીપા, લાખુપોળ, દીવાન ડેલીમાં સોની અને વાણિયા રહેતા, ભરવાડો ખારવાની પોળ બહાર તેમજ અને સતવારા શિયાણીની પોળ બહાર રહેતા હતા. વઢવાણ એ સમયે બાવન બજારનો બાવટો ગણાતું હતું. વઢવાણ શહેર જ્યારે વર્ધમાનપુર તરીકે ઓળખાતું ત્યારે ‘‘યશોભૂષણ સર્વદા વર્ધમાનમ્’’ સૂત્ર ગુંજતું હતું. આજે પણ વઢવાણની અસ્મિતાને ચાહનાર આ સૂત્રે સાર્થક કરી રહ્યા છે. હાલ વઢવાણ માત્ર ઐતિહાસિક બની ગયું છે. વઢવાણ બજારો સુમસામ બની ગયા છે. વેપાર-ધંધામાં સુરેન્દ્રનગરમાં થઈ ગયા છે. વર્તમાન વઢવાણ માત્ર ભૂતકાળને યાદ કરીને ભવિષ્ય તરફ મીટ માંડીને રહ્યું છે.આમ, રાણકદેવી સતીકથા, ભગવાન મહાવીર અસ્થિગ્રામ નામના સ્થળે શુણપાણ યજ્ઞને ઝઝુમતો રાખવાની હવામહેલ, પાડા મસ્જિદ, કાનેટી હનુમાન, શહેરના છ દરવાજા અને કારડીયા રાજપૂતો તથા કંસાર દરબાર ગઢના વિવિધ ઈતિહાસોની કથા આ નગર સાથે સંકળાયેલા છે.