Site icon Revoi.in

આજે રક્ષાબંધનનો તહેવાર,જાણો તેને લઈને કઈક આવી છે પૌરાણિક વાર્તાઓ

Social Share

ભાઈ-બહેનના પવિત્ર બંધન અને પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રેશમના દોરાની રાખડી અથવા રક્ષાસૂત્ર બાંધે છે અને તેમના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. બીજી બાજુ, રાખડી બાંધ્યા પછી, ભાઈ બહેનોને તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ સિવાય આ દિવસે ભાઈઓ પોતાની બહેનોને રાખડી બાંધ્યા પછી કેટલીક ભેટ આપે છે. ભાઈ-બહેનના આ પ્રેમાળ તહેવાર પાછળ ઘણી પૌરાણિક માન્યતાઓ રહેલી છે. તો આવો જાણીએ કેવી રીતે રાખડી બાંધવાની શરૂઆત થઈ.

રક્ષાબંધન સબંધિત  ઘણી કથાઓ સંકળાયેલી છે. તેમાંથી કેટલીક લોકચર્ચિત કથાઓ આપી રહ્યા છે.

જો પહેલી પૌરાણિક કથાની વાત કરવામાં આવે તો, એકવાર ભગવાન શ્રીકૃષ્ણના હાથમાં શેરડી ખાતા ખાતાં તે વાગી ગઇ અને લોહીની ધાર વહેવા માંડી. આ બધું દ્રોપદી ન જોઈ શકી અને તેને તરત જ પોતાની સાડીનો છેડો ફાડી શ્રીકૃષ્ણના હાથમાં બાંધી દીધો. જેના કારણે તેમનું લોહી વહેતું બંધ થઈ ગયુ. કેટલાક સમય પછી જ્યારે દુ:શાસને દ્રોપદીના ચીર હર્યા ત્યારે શ્રીકૃષ્ણે તેમના ચીર વધારીને આ બંધનનો ઉપકાર વાળ્યો. આ પ્રસંગ પણ રક્ષાબંધનના મહત્વને દર્શાવે છે.

બીજી એક વાર્તા એવી છે કે, એકવાર યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું – હે કાનુડા, મને રક્ષાબંધનની એ કથા સંભળાવો જેનાથી મનુષ્યોની પ્રેતબાધા અને દુ:ખ દૂર થાય છે. ભગવાન કૃષ્ણે કહ્યુ – ‘ હે પાંડવ શ્રેષ્ઠ, એકવાર દૈત્યો અને સુરો વચ્ચે યુધ્ધ ચાલુ થઈ ગયુ, જે સતત 12 વર્ષો સુધી ચાલતું રહ્યુ. અસુરોએ દેવતાઓને હરાવીને તેમના પ્રતિનિધિ ઈંદ્રને પણ પરાજીત કર્યા.

આવી સ્થિતિમાં દેવતાઓની સાથે ઈંદ્ર અમરાવતી ચાલ્યા ગયા. બીજી બાજું વિજેતા દૈત્યરાજે ત્રણે લોકને પોતાના વશમાં કરી લીધુ. તેણે રાજપદ પરથી એ જાહેર કરી દીધુ કે ઈંદ્ર સભામાં ન આવે અને દેવતા તેમજ મનુષ્ય યજ્ઞ કર્મ ન કરે, બધા લોકો મારી પૂજા કરે.

દૈત્યરાજની આ આજ્ઞાથી યજ્ઞ-વેદ, વાંચન, તથા ઉત્સવ વગેરે સમાપ્ત થઈ ગયા. ધર્મના નાશથી દેવતાઓનું બળ ઘટવા લાગ્યુ. આ જોઈને ઈંદ્ર પોતાના ગુરૂ બુધ પાસે ગયા. અને તેમના પગમાં પડીને વિનંતી કરવા લાગ્યા – હે ગુરૂવર આવી સ્થિતિમાં સંજોગો કહે છે કે મારે અહીં જ પ્રાણ ત્યાગવા જોઈએ. ના તો હું ભાગી શકુ છુ અને ન તો યુધ્ધનો સામનો કરી શકુ છુ. મને કોઈ ઉપાય બતાવો.

બુધે ઈંદ્રની વેદના સાંભળી તેને રક્ષા વિધાન કરવાનું કહ્યું. શ્રાવણની પૂનમની વહેલી સવારે નીચે આપેલા મંત્ર વડે રક્ષા વિધાન પૂરો કરવામાં આવ્યો.

‘येन बद्धो बलिर्राजा दानवेन्द्रो महाबलः।
तेन त्वामभिवध्नामि रक्षे मा चल मा चलः।’

ઈંદ્રાણીએ શ્રાવણી પૂનમના પાવન અવસર પર બ્રાહ્મણો પાસેથી આર્શીવચન મેળવી રક્ષા સૂત્ર લીધુ અને ઈંદ્રના જમણા હાથે બાંધીને યુધ્ધભૂમિમાં લડવા મોકલી આપ્યા. ‘રક્ષાબંધન’ ના પ્રભાવથી દૈત્ય ભાગી ગયા અને ઈંદ્રનો વિજય થયો. રક્ષા બાંધવાની પ્રથાની શરૂઆત અહીંથી જ થાય છે.