- જન્માષ્ટમીના પર્વની થઈ શરૂઆત
- આજે શીતળા સાતમનો મહાપર્વ
- ઘરે ઘરે ટાઢું ખાવાની જળવાઈ રહેલી વર્ષો જૂની પરંપરા
રાજકોટ: જન્માષ્ટમીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે આજે શીતળા સાતમનો પર્વ છે.ગુજરાતમાં આ તહેવાર ખૂબ જ ભાવથી ઉજવવામાં આવે છે. આ દિવસનું અનેરું મહત્વ છે. જેમાં સૌભાગ્યવતિ સ્ત્રીઓ શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પુજા-અર્ચના કરે છે.
રાંધણ છઠના બીજા દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અહીં સાતમના દિવસે ઘરમાં રસોઇ ન કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલાથી તૈયાર કરેલ ઠંડું ભોજન ગ્રહણ કરવામાં આવે છે. રાંધણ છઠ્ઠના દિવસે લોકો ઘરે ઘરે નવા નવા પકવાન અને વ્યંજન બનાવતા હોય છે. આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલ ભોજન અને પકવાન માણવાનો મહિમા છે. જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે.
શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. માન્યતા એવી છે કે આ દિવસે માતા શીતળા ચુલે આળોટવા માટે આવે છે. તેથી રસોઈ આગલા દિવસે બનાવી નાખવાની હોય છે અને ચુલો ઠંડો કરી દેવામાં આવે છે.
આજના સાતમના પર્વે વ્રતધારી ગૃહિણીઓ દ્વારા ઠંડા દૂધ, જળ, ચંદન અને કંકું,ચોખા વગેરેથી શીતળા માતાજીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં દર્શાવાયા મુજબ વારંવાર માંદુ પડતા બાળકના વાલી જો આ વ્રત કરે તો તેના બાળકને માતાજી રોગમુકત કરે છે.