આજે વર્લ્ડ ઈમોજી ડે,જાણો આ દિવસની કઈ રીતે થઇ શરૂઆત અને વિશ્વમાં ક્યું ઈમોજી છે સૌથી લોકપ્રિય ?
આજના સમયમાં દરેક લોકો પાસે સ્માર્ટ ફોન છે જેનો ખુબ જ ઉપયોગ કરતા હોય છે અને એમાં પણ મોટા ભાગના લોકો વોટ્સેએપ, ફેસબુક અને બીજી ઘણી એપ્લીકેશનનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે મેસેજમાં ઈમોજી વગર વાત કરવાની કલ્પના પણ શક્ય છે ખરી? ભાગ્યે જ કોઈ એવું વ્યક્તિ જોવા મળશે જે ચેટીંગ દરમિયાન ઈમોજીનો ઉપયોગ ન કરતું હોય.ત્યારે આજે એટલે કે 17 જુલાઈના રોજ વિશ્વભરમાં વર્લ્ડ ઈમોજી ડે મનાવાય છે.તો આ ઈમોજીની શરૂઆત કેવી રીતે થઇ ? અહીં જાણો વિગતવાર
સૌ પ્રથમ ઈમોજીનો ઉપયોગ જાપાનીઓએ ઈમોટીકોન્સ દ્વારા વાતચીત કરવા તેમજ લાગણીની અભિવ્યક્તિ માટે કર્યો હતો. ઈમોજિપીડિયાના સ્થાપક જેરેમી બર્ગ દ્વારા 2014માં વર્લ્ડ ઈમોજી ડેની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 17 જુલાઈને ‘વર્લ્ડ ઈમોજી ડે’ તરીકે ઉજવવામાં આવે છે.ઈમોજીનો ઉપયોગ સૌ પ્રથમ 1990માં શરૂ થયો, જ્યારે 17 જુલાઈ, 2002ના રોજ એપલે તેની કેલેન્ડર એપ્લિકેશન માટે ઈમોજીનો ઉપયોગ કર્યો. આ કારણે ઈમોજેપીડિયાએ 17 જુલાઈને વર્લ્ડ ઈમોજી ડે તરીકે પસંદ કર્યો છે. વર્ષ 2012-2013માં ઈમોજીનો ઉપયોગ એટલો લોકપ્રિય થયો કે ઓગસ્ટ 2013માં ઓક્સફર્ડ ડિક્શનરીમાં(Oxford Dictionary) ઈમોજી શબ્દ પણ ઉમેરવામાં આવ્યો.
અહેવાલ મુજબ,ભારતીય સૌથી વધુ ‘ખુશીના આંસુ’ અને ‘ફ્લાઈંગ કિસ(Flying Kiss)’ ઈમોજીનો ઉપયોગ કરે છે. આ અહેવાલ ટેક કંપની બોબલએઆઈ દ્વારા વર્લ્ડ ઈમોજી ડેના એક દિવસ પહેલા જ બહાર પાડ્યો હતો. હકીકતમાં ઈમોજીએ લાગણીનો સંચાર એટલો સરળ બનાવ્યો છે કે શબ્દોની જરૂરિયાત એક રીતે ઓછી થઈ ગઈ છે.
વિશ્વમાં યુનિકોડ સ્ટાન્ડર્ડમાં હાલમાં 3500થી વધુ ઈમોજીસ ઉપલબ્ધ છે. ‘ફેસ વિથ ટીઅર્સ ઓફ જોય’ એ વિશ્વનો સૌથી પ્રખ્યાત ઈમોજી છે, જેનો ઉપયોગ ફક્ત ટ્વિટર(Twitter) પર 2 અબજ કરતા વધારે વખત કરવામાં આવ્યો છે.
ઈમોજી(Emoji)ની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી પણ લગાવી શકાય છે કે ઈન્ટરનેટ પર ઘણી એપ્લિકેશનો છે જે ઈમોજી સેટિંગ્સ નિર્માતા અને અનુવાદક તરીકે કામ કરે છે. જે કંઈ પણ કહેવાતું હોય, જે પણ ભાવના હોય, આ એપ્લિકેશન્સ તરત જ ડિજિટલ વિશ્વની આ નવી ભાષામાં ભાષાંતર કરે છે.
‘ઈ’નો અર્થ ‘ચિત્ર’ અને ‘મોજી’નો અર્થ ‘પાત્ર’ એટલે કે કોઈ શબ્દને વ્યક્ત કરવો અથવા ચિત્ર દ્વારા અનુભૂતિ કરવી તેને ઈમોજી કહેવામાં આવે છે. ઓનલાઈન રહેતા 92 ટકા લોકો ઈમોજીનો ઉપયોગ કરે છે અને સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે બાળકોથી લઈને વૃદ્ધો સુધી ગામથી લઈને શહેર સુધી, દરેક વ્યક્તિ ખુલ્લા દિલથી ઈમોજી(Emoji)નો ઉપયોગ કરે છે.