- ડાકોર મંદિરને આસોપાલવના લીલા તોરણો અને ધજા-પતાકાથી શણગારાયું,
- ડાકોરમાં ઠાકોરજીને રાતે 12 વાગ્યે અભિયંગ સ્નાન બાદ સવા લાખનો મુંગટ પહેરાવાશે,
- ગોપાલને સોનાના પારણે ઝૂંલાવાશે
અમદાવાદઃ આજે જન્માષ્ટમીનું પર્વ ગુજરાતભરમાં ધામધૂમથી ઊજવવમાં આવી રહ્યું છે. ડાકોરનું રણછોડરાયજીનું મંદિર, દ્વારકાના દ્વારકાધિશનું મંદિર અને શામળાજી ઠાકોરજીના મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. ત્રણેય મંદિરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે. અને આજે રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્માત્સવ ભારે ધામધૂમથી ઊજવવામાં આવશે.
ગુજરાતભરમાં આજે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ શ્રીકૃષ્ણના 5251મા જન્મોત્સવની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. દ્વારકા, શામળાજી અને ડાકોરમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. ગુજરાત સહિત દેશભરમાંથી લાખો ભાવિકો કૃષ્ણ જન્મોત્સવમાં કાળિયા ઠાકરના દર્શને આવ્યા હોવાથી તંત્ર દ્વારા યાત્રીકો માટે સુવિધા અને સલામતીની આધુનિક ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે સુંદર વ્યવસ્થા સાથેનું આયોજન કર્યું છે. જગતમંદિર દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણના જન્મોત્સવને વધાવવા ભાવિકોમાં પણ જબરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
ડાકોરમાં સોમવારે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે. ત્યારે ડાકોર મંદિર દ્વારા ઉત્સવની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. મંદિરને આસોપાલવના તોરણો, રોશની, ધજા- પતાકા અને ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું છે. ઠાકોરજીને રાતે 12 કલાકે ઉત્સવ તિલક કરી અભીયંગ સ્નાન બાદ સવા લાખનો મુગટ પહેરાવાશે. ગોપાલલાલજીને સોનાના પારણે ઝુલાવવામાં આવશે. ત્યારે નંદ ઘેર આનંદ ભયોના જયઘોષ સાથે મંદિર પરિષદ ગૂંજી ઉઠશે.
ડાકોર મંદિરના ઘુમ્મટથી માંડીને મંદિર પરિસર રોશનીથી ઝળહળી ઉઠ્યું, આસોપાલવના તોરણો ચોમેર બંધાયા, જન્મોત્સવ સમયે મંદિર પરિસરમાં આવેલી દીપામાળાઓ પ્રગટાવાશે. ડાકોર મંદિરમાં આ ઉત્સવને ઉજવવા વૈષ્ણવો આતૂર બન્યા છે. મંદિરના ઘુમ્મટથી માંડીને પરિસરમાં અને મંદિરના બે મુખ્ય દ્વારો પર આકર્ષક રોશની કરાઈ છે. રાત્રીના 12 વાગ્યે શ્રીકૃષ્ણપગટયોત્સવ થશે. તીલક-પંચામૃત સ્નાન થશે. ઠાકોરજી ની ક્રમાનુસાર સેવાપૂંજાથઈ શ્રૃંગાર ધરાવી ઠાકોરજીને મોટામુગટ ધારણ કરાવવામાં આવશે.ત્યારબાદ શ્રીજીને ચાંલ્લો-તિલક કરી આરતી કરવામાં આવશે. ત્યારબાદ ગોપાલલાજી મહારાજને સોનાના પારણામાં બીરાજમાન કરાવી ઝુલાવવામાં આવશે.ત્યારબાદ અનુકુળતાએ શ્રીજીમહારાજ મહાભોગ આરોગવા બીરાજશે. ત્યારબાદ મહાભોગ આરતી થઈ ઠાકોરજી પોઢી જશે. બીજા દિવસે મંગળવારે 27 ઓગસ્ટના રોજ નંદમહોત્સવની ઉજવણી થશે.