- મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત પરિષદનો આજે આરંભ
- પીએમ મોદી ઉદ્ઘાટન સત્રમાં લેશે ભાગ
દિલ્હી – આજ રોજ શનિવાર 30 એપ્રિલના દિવસે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય ન્યાયાધીશ NV રમનાની હાજરીમાં મુખ્ય મંત્રીઓ અને ઉચ્ચ ન્યાયાલયોના મુખ્ય ન્યાયાધીશોની સંયુક્ત પરિષદના ઉદ્ઘાટન સત્રમાં ભાગ લેશે. વડાપ્રધાન કાર્યાલય દ્રારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વડાપ્રધાન રાજધાની દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત આ સંમેલનને પણ સંબોધિત કરશે.
ઉલ્લેખનીય છે કે આ જોઈન્ટ કોન્ફરન્સ છ વર્ષ પછી યોજાઈ રહી છે. આ પહેલા આ કોન્ફરન્સ 2016માં યોજાઈ હતી. PMOએ કહ્યું કે 2016 થી અત્યાર સુધી, સરકારે ‘ઈ-કોર્ટ્સ મિશન મોડ પ્રોજેક્ટ’ હેઠળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને કોર્ટ પ્રક્રિયાઓમાં ડિજિટલ ટેક્નોલોજીને એકીકૃત કરવા માટે વિવિધ પગલાં લીધાં છે.
આ કોન્ફોરન્સમાં અદાલતોમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે ન્યાયમૂર્તિ રમનના પ્રસ્તાવને કોન્ફરન્સના એજન્ડાનો ભાગ બનાવવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ન્યાયિક ખાલી જગ્યાઓ ભરવા, પડતર કેસ, કાનૂની સહાય સેવાઓ અને ભાવિ ડ્રાફ્ટ અને ઇ-અદાલત તબક્કો-III જેવા વિષયો પણ એજન્ડામાં ટોચ પર મૂકવામાં આવ્યા છે.
આ સાથે જ જસ્ટિસ રમના અને કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુ પણ સમગ્ર કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રને સંબોધશે. કોન્ફરન્સ પછી વિવિધ કારોબારી સત્રો યોજાશે, જેમાં મુખ્ય પ્રધાન અને મુખ્ય ન્યાયાધીશ એજન્ડાના વિષયો પર ચર્ચા કરશે .