અમદાવાદઃ ગુજરાતભરમાં આજે રામનવમીની ભારે હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરવામાં આવી હતી. મહાનગરોમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રામજી મંદિરોમાં શ્રદ્ધાળુઓની દર્શન માટે લાઈનો જોવા મળી હતી. અમદાવાદમાં રામનવમી મહોત્સવનો ઇસ્કોન મંદિરમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. ભગવાનના ગર્ભગૃહને વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યુ હતુ. આ મહોત્સવની શરૂઆત સવારે ૦4:30 કલાકે મંગળા આરતીથી થઈ હતી ત્યારબાદ 07:30 કલાકે ભગવાનની શૃંગાર દર્શન આરતી કરવામાં આવી હતી. મંગળા અને શૃગાર આરતીમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. અમદાવાદ ઉપરાંત રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર સહિત તમામ નાના-માટા શહેરોમાં તેમજ ગામડાંઓમાં પણ રામનવમી પર્વની આનંદોલ્લાસથી ઊજવણી કરવામાં આવી હતી.
અમદાવાદમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઈસ્કોન મંદિરમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ભગવાનને વૃંદાવનથી બનાવેલા નવા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ શ્રીલ પ્રભુપાદની ગુરુ પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ ૦8:૦૦ કલાકે ભગવાન રામચંદ્રના જીવન ચરિત્ર પર કથા કરવામાં આવી હતી. ત્યારબાદ 11.30 કલાકે ભગવાન સીતા રામ લક્ષ્મણ હનુમાનજીનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાનને વિવિધ પ્રકારનાં ફળોના રસ, પંચગવ્ય વસ્તુઓ વગેરે સાથે અભિષેક કરાયો હતો.
રામનવમી પર્વની એટલે ભગવાન રામના જન્મોત્સવની ગુજરાતભરમાં ઊજવણી કરવામાં આવી હતી. જેમાં મહાઆરતી, શોભાયાત્રા, પૂજા-આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતુ. સુરતમાં રામનામ મંદિરમાં પણ ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા.જ્યારે ભાવનગરમાં તમામ મંદિરોમાં આરતી, પૂજા અર્ચના, દર્શન સહિતના ધાર્મિક કાર્યક્રમોની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી.
ભગવાન શ્રી હરિના 24 યુગ અવતાર પૈકી એક એવો રામાવતાર સતયુગમાં વિષ્ણુ ભગવાને પૃથ્વી પર અવતાર ધારણ કરી રાજા દશરથના ઘરે જન્મ લીધો હતો. દર વર્ષે ચૈત્ર સુદ નોમના રોજ ભગવાન રામચંદ્રજીના જન્મની ઉજવણી કરવામાં આવે છે જે રામનવમી તરીકે ઓળખાય છે. ચાર યુગ પૈકી પ્રથમ એટલે કે સતયુગમાં પ્રુથ્વી સમ્રાટ રઘુવંશી રાજા દશરથના ઘરે અખિલ બ્રહ્માંડના નાયક શ્રીહરિ સ્વયં ચૈત્ર સુદ નોમના રોજ દશરથ રાજાના પત્ની કૌશલ્યાની કુખે અવતાર ધારણ કરી પધાર્યા હતા અને સમય જતાં અસુરો, દુરાચરણ, અસત્યનો નાશ કરી રામરાજની સ્થાપના કરી હતી. આ મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રની જન્મ તિથિ દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભાવિકો દ્વારા આજે ઉપવાસ રાખી રામલલ્લાની વિશેષ પૂજા કરી મનો કામનાઓ કરવામાં આવી હતી.