- આજે બકરી ઈદની ઉજવણી
- રાષ્ટ્રપતિ મુર્મુએ પાઠવી શુભેચ્છા
- દેશવાસીઓને પાઠવી શુભેચ્છા
દિલ્હી: ભારતમાં આજે ઈદ-અલ-અઝહા એટલે કે બકરી ઈદની ઉજવણી કરવામાં આવશે. મુસ્લિમ સમુદાયના લોકો ઈદગાહ અને મસ્જિદોમાં ઈદ-ઉલ-અઝહાની નમાજ અદા કર્યા બાદ પશુની કુરબાની આપશે. બકરી ઈદને ધ્યાનમાં રાખીને દેશના તમામ રાજ્યોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઈદ-ઉલ-અઝહાની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ એક નિવેદનમાં કહ્યું કે ઈદ-ઉલ-અઝહાના અવસર પર હું તમામ સાથી નાગરિકોને, ખાસ કરીને ભારત અને વિદેશમાં રહેતા આપણા મુસ્લિમ ભાઈઓ અને બહેનોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામના આપું છું.
રાષ્ટ્રપતિએ કહ્યું કે ઈદ-ઉલ-અઝહા એ પ્રેમ અને બલિદાનનો પવિત્ર તહેવાર છે. આ તહેવાર આપણને બલિદાન અને માનવતાની નિઃસ્વાર્થ સેવાના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે. તો આવો, આ દિવસે આપણે સૌ સમાજમાં ભાઈચારો અને સંવાદિતા ફેલાવવા માટે કામ કરવાનો સંકલ્પ લઈએ.
બકરી ઈદના અવસર પર યુપીના વિશેષ પોલીસ મહાનિર્દેશક પ્રશાંત કુમારે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવાના નિર્દેશ આપ્યા છે. પ્રશાંત કુમારના જણાવ્યા અનુસાર, રાજ્યની 33,340 ઈદગાહ અને મસ્જિદોમાં ઈદ-ઉલ-અઝહાની નમાજ અદા કરવામાં આવશે. જેમાં તમામ જિલ્લાઓમાં 2213 સંવેદનશીલ સ્થળો અને બ્લેક સ્પોટની ઓળખ કરવામાં આવી છે.