આજનો યુગ યુદ્ધનો નથી, પીએમ મોદીએ રશિયાના પુતિનને કર્યું સૂચન
નવી દિલ્હીઃ SCO સમિટમાં ભારતના પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતીન વચ્ચે મુલાકાત થઈ હતી. દરમિયાન પીએમ મોદીએ પુતિનને કહ્યું કે હું જાણું છું કે આજનો યુગ યુદ્ધનો યુગ નથી અને મેં આ અંગે તમારી સાથે ફોન પર વાત કરી છે. પુતિને તેમના તરફથી કહ્યું હતું, કે તેઓ યુક્રેન સંકટ પર ભારતની ચિંતાઓથી વાકેફ છે અને તેનો જલ્દી અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમજ પુતિને મોદીને રશિયા આવવાનું આમંત્રણ આપ્યું હતું.
સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના વાર્ષિક શિખર સંમેલન દરમિયાન વન-ટુ-વન બેઠકમાં પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિને કહ્યું કે વિકાસશીલ દેશો, ખાદ્ય સુરક્ષા, ઈંધણ સુરક્ષા સહિતની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. આપણે આ સમસ્યાઓનો ઉકેલ શોધવો જોઈએ અને તમારે તેના પર પણ વિચાર કરવો પડશે. ફેબ્રુઆરીમાં યુક્રેન સંઘર્ષ શરૂ થયા બાદ બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ સામ-સામે મુલાકાત હતી.
પુતિને કહ્યું કે, યુક્રેને વાટાઘાટોની પ્રક્રિયામાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે અને તે યુદ્ધના મેદાન પર લશ્કરી રીતે તેના ઉદ્દેશ્યો હાંસલ કરવા માંગે છે. પુતિને પીએમ મોદીને કહ્યું, અમે તમને ત્યાં જે કંઈ પણ થશે તેની જાણકારી આપીશું. પુતિને કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચે સારા સંબંધો જાળવવાનું ચાલુ છે અને બંને પક્ષો મુખ્ય મુદ્દાઓ પર આંતરરાષ્ટ્રીય મંચોમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ મીટીંગમાં કહ્યું કે, ભારત અને રશિયા વચ્ચે વર્ષોથી સારા સંબંધ છે, તેમજ આજની ચર્ચા આગામી દિવસોમાં સંબંધ વધારે મજબુત બનશે.