અમદાવાદઃ ‘ફ્યુચર ઓફ લર્નિંગ: ઈન્ટરનેશનલ ડિઝાઈન કોલેબોરેટિવ’ના સમાપન- સત્ર માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વના લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં આપણો દેશ અને ગુજરાત વિશ્વના પ્રવાહો સાથે કદમથી કદમ મિલાવીને વિકાસ રાહે દોડતા થયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ટેકનોલોજી એટલી ઝડપે બદલાઈ રહી છે કે આજની શોધ આવતીકાલે જૂની થઈ જાય છે.
ફ્યુચર લર્નિંગ કેવું હોય, તેની સામેના પડકારો શું છે, તેના ઉપાયો શું હોય, તેનું સામુહિક વિચારમંથન અનંત નેશનલ યુનિવર્સિટીએ યોજ્યું તેને તેમણે ‘રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ’ ગણાવ્યું હતું. 28થી 30 માર્ચ દરમિયાન અનંત યુનિવર્સિટી ખાતે આયોજિત ‘ફ્યુચર ઓફ લર્નિંગ: ઈન્ટરનેશનલ ડિઝાઈન કોલેબોરેટિવ માં દેશ-વિદેશના 30 જેટલા ડેલિગેટ્સ સામેલ થયા હતા. જેમાં શિક્ષણવિદો, વહીવટકર્તાઓ, રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકોએ સાથે મળીને મંથન કર્યું હતું.
સંશોધનને સમયની માંગ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજ રોજ નવાં સંશોધનો આવિષ્કારોની ભરમાર આવે છે. જો તેની સાથે ના ચાલીએ તો પાછળ રહી જઈએ અને વિશ્વના પ્રવાહો સામે વામણાં લાગીએ. તેમણે કહ્યું કે, આપણો દેશ વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને યુવાશક્તિના આ ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ને સ્કીલફુલ બનાવી ભારતને વિશ્વગુરુ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ છે એમ તેમણે ઉમેર્યું હતું. આ નેમ ને આગળ વધારતા ગુજરાત સરકારે બજેટમાં શિક્ષણ વિભાગ માટે આ વર્ષે 43651 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જેનાથી રાજ્યમાં યુવાનોની તાલીમબદ્ધતા અને વર્લ્ડ ક્લાસ શિક્ષણના અવસરોને વેગ મળશે.
નરેન્દ્રભાઈએ ગુજરાતમાં વર્લ્ડક્લાસ એજ્યુકેશન આપતી અને સેક્ટર-સ્પેસિફિક ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ-યુનિવર્સિટીઝ વિકસાવી છે. નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, મેરિટાઇમ યુનિવર્સિટી તેના ઉદાહરણો છે. એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાતમાં આવી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઝ સાથે જોડાણ કરવાની અને ઘરઆંગણે વર્લ્ડક્લાસ એજ્યુકેશનની પરિપાટી આપણે પાડી છે.