દિલ્હીઃ જાપાનમાં ટોક્યો ઓલિમ્પિક ચાલી રહ્યું છે. જેમાં ભારતના કેટલાક ખેલાડીઓએ મેડલ પોતાના નામ કર્યાં છે. ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષના લાંબા સમયગાળા બાદ બ્રોન્ઝ જીતીને ઈતિહાસ રચ્યો છે. બીજી તરફ ઓલિમ્પિકમાં મેડલ જીતનારા ખેલાડીઓ ઉપર ઈનામનો વરસાદ થઈ રહ્યો છે. કેટલાક ખેલાડીઓ ઉપર કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા ઈનામોનો વરસાદ કરવામાં આવ્યો છે. વેટલિફ્ટર મીરાબાઈ ચાનુ, પહેલવાન રવિ દહિયા અને ભારતીય હોકી ટીમના ખેલાડીઓ કરોડપતિ બની ગયા છે. સરકાર ઉપર કેટલાક સંસ્થાઓ અને કંપનીઓ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે.
ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય વેટલિફ્ટર મીરાબાઈ ચાનુને મણિપુર સરકારે રૂ. એક કરોડ રોકડ તથા ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે નિમણુંક આપી છે. આ ઉપરાંત રેલવે મંત્રાલય દ્વારા પણ બે કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ઓલિમ્પિકમાં ભાગ લેનારા રાજ્યના ખેલાડીઓને રૂ. 25 લાખ આપવાની પણ મણિપુર સરકારે જાહેરાત કરી છે. વેટમિંટનમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવનારી પી.વી સિંધુને આંધ્રપ્રદેશ સરકારે રૂ. 30 લાખ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઈન્ડિયન ઓલિમ્પિક એસો.એ પણ રૂ. 25 લાખની જાહેરાત કરી છે.
બ્રોન્ઝ જીતનારી બોક્સર લવલિનાને અસમ સરકારે મોટી ગીફ્ટ આપી છે. તેના ઘર સુધી પાકો રસ્તો બનાવવામાં આવ્યો છે. ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. પંજાબ સરકારે ટીમમાં સામેલ પંજાબના ખેલાડીઓને એક-એક કરોડ આપવાની જાહેરાત કરી છે. મધ્યપ્રદેશ સરકારે પણ પોતાના રાજ્યના ખેલાડીઓને એક-એક કરોડ આપવાની જાહેરાત કરી છે. મણિપુર સરકારે પણ પોતાના રાજ્યના ખેલાડીને રૂ. 75 લાખ અને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. હરિયાણા સરકારે પણ પુરુષ હોકી ટીમના પોતાના રાજ્યના ખેલાડીઓને રૂ. 2.50-2.50 કરોડ આપવાની જાહેરાત કરી છે. તેમજ સરકારી નોકલી અને પ્લોટ આપવાની જાહેરાત કરી છે. હિમાચલ પ્રદેશ સરકારે પણ પોતાના ખેલાડીને રૂ. 75 લાખ આપવાની જાહેરાત કરી છે.
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારા રવિ દહિયાને રૂ. 4 કરોડ રોકડ તથા ક્લાસ વન સરકારી નોકરી અને પ્લોટ આપવાની જાહેરાત કરી છે. ભારતીય રેલવેએ ઓલિમ્પિકમાં મેડલ જીટનારા ખેલાડીઓ અને તેમના કોચને કેશ એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત કેટલાક સંસ્થાઓ દ્વારા પણ ખેલાડીઓનું બહુમાન કરવામાં આવ્યું છે.