ટોક્યો ઓલિમ્પિકઃ ગોલ્ડ મેડલ જીતનારા દિલ્હીના ખેલાડીઓને રૂ. 3 કરોડ આપીને કરાશે સન્માન
દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકને લઈને ભારતીય ખેલાડીઓ હાલ પ્રેકટીસ કરી રહ્યાં છે. દરમિયાન ઓલિમ્પિકમાં દિલ્હીના ચાર ખેલાડીઓ દેશનું પ્રતિનિધિત્વ કરશે. દરમિયાન દિલ્હી સરકારે દિલ્હીના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને તેમનામાં ઉત્સાહનો સંચાર કરવા માટે મેડલ જીતવા ઉપર સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.
દિલ્હી સરકારે જાહેરાત કરી છે કે, ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા દિલ્હીના ખેલાડીઓ ગોલ્ડ મેડલ લઈને આવશે તો તેમનું રૂ. 3 કરોડ આપીને સન્માન કરવામાં આવશે. આવી જ રીતે સિલ્વર મેડલ જીતનારને રૂ. બે કરોડ અને કાંસ્ય મેડલ જીતનારને રૂ. એક કરોડનું ઈનામ આપીને સન્માન કરવામાં આવશે. એટલું જ નહીં મેડલ જીતનાર ખેલાડીના કોચનું રૂ. 10 લાખની રકમ આપીને સન્માન કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની અધ્યક્ષતામાં મળેલી દિલ્હી સ્પોર્ટ્સ યુનિવર્સિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
દિલ્હી તરફથી ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિ કરનારા ખેલાડીઓમાં માનિકા બત્રા, દીપકકુમાર, અમોજ જેકબ અને સાર્થક ભાંબરીનો સમાવેશ થાય છે. ખેલરત્નથી સન્માનિત મોનિકા બત્રા ટેબલ ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. દીપક કુમાર શુટીંગ, અમોજ જેકબ 4*400 મીટર રિલેમાં અને સાર્થ ભાંબરી પણ 4*400 મીટર રિલેમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.
નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, ભવિષ્યમાં ઓલિમ્પિયન બનવા માટે દિલ્હીની તૈયારીઓ ચાલી રહી છે. અમે સુનિશ્ચિત કરી રહ્યાં છીએ કે, વિશ્વ સ્તરીય સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવવામાં કોઈ કચાસ રાખવામાં નહીં આવે. અહીં એવા ખેલાડીઓને તૈયાર કરવામાં આવશે જેઓ ઓલિમ્પિક જેવી ગેમ્સમાં ભારત માટે મેડલ જીતી શકે. સ્પોર્ટ્સ યુનિવર્સિટી દિલ્હીને સ્પોર્ટ્સ હબ રૂપમાં વિકસિત કરવામાં આવશે.