દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓએ એક ગોલ્ડ સહિત સાત મેડલ જીત્યાં હતા. ભારતીય ખેલાડી નીરજ ચોપડાએ ગોલ્ડ જીતીને દુનિયામાં ભારતનું ગૌવર વધાર્યું છે. હવે ટોક્યો પેરાલિમ્પિકમાં પણ ભારતીય ખેલાડીઓએ ઇતિહાસ રચી નાખ્યો છે. ભારતીય ખેલાડીઓએ પાંચ ગોલ્ડ સહિત 19 મેડલ જીતી ભારતીય સ્પોટર્સ બાબતે ટિપ્પણીઓ કરનારાઓની બોલતી બંધ કરી નાખી છે. હવે 2024નો પેરાલિમ્પિક પેરિસમાં રમાશે, આગામી ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં વધારેમાં વધારે મેડલ જીતવાનો નિરધાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે વ્યક્ત કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતે 5 ગોલ્ડ, 6 સિલ્વર, 8 બ્રોન્ઝ મેડલ જીતી મેડલ ટેબલમાં મેળવ્યું 24મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ચીન 96 ગોલ્ડ સહિત 207 મેડલ સાથે ચીન ટોપ ઉપર રહ્યું છે. પેરાલિમ્પિકમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ટોક્યોમાં રમાયેલા પેરાલિમ્પિકની ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય શૂટર અવની લેખરા ભારતીય ટુકડીની ધ્વજવાહક બની હતી. 19 વર્ષીય અવનીએ ટોક્યોમાં એક ગોલ્ડ સહિત બે મેડલ જીત્યા છે.
અવનીએ એસએચ-1 કેટેગરીની 10 મીટર એર પીસ્તલ સ્પર્ધામાં ગોલ્ડ અને 50 મીટર રાયફલ થ્રી-પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ક્લોઝિંગ સેરેમનીમાં ભારતના 11 એથ્લીટસે ભાગ લીધો હતો. પેરાલિમ્પિક 1960થી રમાઈ રહ્યો છે. ભારત 1968થી પેરાલિમ્પિકમાં ભાગ લઈ રહ્યું છે. જ્યારે 1976 અને 1980માં ભારતે ભાગ લીધો નહોતો. બેડમિન્ટનની રમતને પહેલી વખત સામેલ કરવામાં આવી હતી અને ભારતથી સાત ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો અને તેમાંથી ચાર ખેલાડી મેડલ જીત્યા છે.
ભારના પટેલએ સિલ્વર, અવની લેખરાએ એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ, સુમિત અંતીલે ગોલ્ડ, સુંદરસિંહ ગુર્જરએ બ્રોન્ઝ, મરિયપ્પન થંગાવેલુએ સિલ્વર, પ્રવીણ કુમારે સિલ્વર, મનીષ નરવાલએ ગોલ્ડ, મનોજ સરકારે બ્રોન્ઝ, કૃષ્ણા નાગરે ગોલ્ડ, નિષાદકુમારે સિલ્વર, યોગેશ કથુનિયાએ સિલ્વર, સિંહરાજ અધાનાએ સિલ્વર અને બ્રોન્ઝ, દેવેન્દ્ર ઝાઝરિયાએ સિલ્વર, શરદકુમારે બ્રોન્ઝ, હરવિંદરસિંહએ બ્રોન્ઝ, પ્રમોદ ભગતે ગોલ્ડ અને સુહાસ યથિરાજએ સિલ્વર મેડલ જીત્યો છે.