Site icon Revoi.in

આજે રાત્રે પલ્લીનો મેળો, ઘીની ચકાસણી માટે લેબ વાનો સાથે 11 અધિકારીઓ ફાળવાયા

Social Share

ગાંધીનગરઃ જિલ્લાના રૂપાલમાં આજે રાતે સુપ્રસિદ્ધ પલ્લીનો મેળો યોજાશે. આજે રાતે વરદાયિની માતાજીના મંદિરેથી પલ્લી નીકળશે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળિઓ જોડાશે. પલ્લી પર શુદ્ધ ઘી ચઢાવવામાં આવતું હોવાથી ગામની શેરીઓમાં ઘીની નદીઓ વહેશે. દરમિયાન શુદ્ધ ઘીમાં ભેળસેળ કરનારા તત્વો સામે કાર્યવાહી કરવા અને ભાવિકો પોતાની આસ્થા મુજબ અને શુદ્ધ ઘીનો જ ચઢાવો કરી શકે તે માટે ગુરૂવારથી જ ફૂડ સેફ્ટી તંત્રની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમોએ મોબાઇલ ટેસ્ટીંગ વાન માટે સેમ્પલો લઇને ચકાસણી શરૂ કરી છે. ઉપરાંત પલ્લીનો મેળો આનંદોલ્લાસથી ઊજવાય તે માટે પોલીસનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પલ્લીના મેળા માટે આજે એક્સ્ટ્રા એસટી બસો પણ દોડાવવીમાં આવી રહી છે.

જિલ્લા કલેક્ટર મેહુલ દવેની સૂચનાથી ઘીના વેચાણ કેન્દ્રો તથા ગ્રાહક દ્વારા ખરીદવામાં આવેલા ઘીની યોગ્યતાની ચકાસણી કરવા માટે વરદાયીની માતાના મંદિર પાસે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 2 ફુડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન કુલ-11 અધિકારી- કર્મચારી સાથે રાખવામાં આવી છે. તંત્ર દ્વારા ઘીના સેમ્પલ લેવાની કામગીરી ગુરૂવારથી ચાલુ કરવામાં આવી છે. જેમાં ઘી સબસ્ટાન્ડર્ડ એટલે કે ભેળસેળ યુક્ત અથવા હલકી ગુણવત્તાનું માલુમ પડશે તો જે તે વ્યક્તિ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. ગત વર્ષ દરમિયાન ઘીના કુલ 40 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 25 ઓન ધ સ્પોટ ટેસ્ટ તથા 15 ફોર્મલ નમુના લઈ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવતા 3 નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. જે અંતર્ગત સંબંધિત સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. પલ્લી મેળા દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા અગત્યના નંબરો જાહેર કરાયા છે. જેમાં આરોગ્ય વિભાગ માટે કન્ટ્રોલરૂમ નંબર- 108 / 079- 23246276, પોલીસ વિભાગ કન્ટ્રોલરૂમ નંબર – 100 / 6359624939, ફાયર વિભાગ કન્ટ્રોલરૂમ નંબર- 079- 23222247, ઘીની ચકાસણી માટે ફુડ એન્ડ ડ્રગ્સ તંત્ર- 9409675999 નંબરો જાહેર કરવામાં આવ્યા છે.