અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં રાજ્યપાલ અને કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ સ્વચ્છતાનું મહાઅભિયાન ઉપાડ્યું છે. તેમણે આ અભિયાનમાં અમદાવાદ મહાનગરપાલિકાનો પણ સહયોગ લીધો છે. અત્યાર સુધીમાં 20 ટ્રક ભરીને ટનબંધ કચરો કાઢવામાં આવ્યો છે. આજે પણ શ્રી આચાર્ય દેવવ્રતજી ગુજરાત વિદ્યાપીઠ જઈને મહાનગરપાલિકાના સફાઈ કામદારો સાથે સફાઈ કાર્યમાં જોડાયા હતા અને સ્વચ્છતા મહાઅભિયાનનું જાત નિરીક્ષણ કર્યું હતું. એ ઉલ્લેખનીય છે કે, ગઈકાલે આચાર્ય દેવવ્રતજીએ જ્યાંથી કચરો ઉપાડ્યો હતો એ જ સ્થળે આજે તેમણે ફુલ-ઝાડ વાવ્યા હતા.
ગાંધીજીના આદર્શો પર ચાલતી ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતાની બાબતમાં મોટો વિરોધાભાસ છે. ઠેર ઠેર ગંદકી અને સમગ્ર પરિસરમાં કચરાના ઢગ ખડકાયા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ બન્યા ત્યાર પછી તેમણે સૌ પ્રથમ વિદ્યાપીઠમાં સ્વચ્છતા અભિયાનને પ્રાથમિક અગ્રતા આપી છે. આ સપ્તાહથી તેમણે સ્વચ્છતા મહાઅભિયાનમાં અમદાવાદ મહાનગરપાલિકાનો પણ સહયોગ લીધો છે. ગવર્નર અને કુલપતિ આચાર્ય દેવવ્રતજીએ આજે વિધાપીઠની મુલાકાત દરમિયાન રમતગમતનું મેદાન વહેલામાં વહેલી તકે સમતળ કરીને રમત રમવા યોગ્ય કરવાની તાકીદ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, જે સંકુલમાં 1400 જેટલા છાત્રો રહેતા-ભણતા હોય એ પરિસરમાં રમત-ગમતના મેદાનમાં કચરાના ઢગલા પડ્યા હોય એ કેટલી મોટી કમનસીબી કહેવાય ! શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિધાપીઠની ઈમારતો પર ઊગી નીકળેલા વૃક્ષોને કારણે થયેલા નુકસાન પ્રત્યે પણ ચિંતા વ્યક્ત કરી હતી. બારી-બારણા પર જામી ગયેલા બાવા-જાળા જોઈને તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં તેમણે એમ પણ કહ્યું હતું કે, સ્વચ્છતા માટે આદતની જરૂર છે, એ માટે કોઈ મોટી ગ્રાન્ટની જરૂર નથી હોતી. તેમણે સૌને સ્વચ્છતાના આગ્રહી બનવા અનુરોધ કર્યો હતો.
ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં અત્યારે 30 સફાઈ કર્મચારીઓ અને 15 બાગ-બગીચાના કર્મચારીઓ સહિત એક જેસીબી મશીન, ત્રણ ડમ્પર, એક હાઇડ્રોલિક જેક ટ્રોલી, ટેન્કર, ટ્રેક્ટર પાવડી અને ટ્રેક્ટર ટ્રોલી સહિત 10 જેટલા સાધનોથી મોટા પાયે સફાઈ મહાઅભિયાન ચાલી રહ્યું છે. ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં આવેલા કુમાર વિદ્યાલય, પ્રાણજીવન હોસ્ટેલ ભોજનાલય, નવી અને જૂની અનુસ્નાતક હોસ્ટેલ, એમ. ફીલ. બિલ્ડીંગ સંકુલ અને રમત-ગમતના મેદાનમાંથી 20 ટ્રક જેટલો કચરો કાઢવામાં આવ્યો છે. હજુ પણ આ મહાઅભિયાન આમ જ ચાલુ રખાશે.