ભોજનમાં વધારે પડતુ મીઠું અનેક બીમારીઓને આપે છે આમંત્રણ….
લોકોમાં ભોજનમાં સ્વાદ અનુસાર મીઠાનો ઉપયોગ કરે છે, જો કે, વધારે પડતુ મીઠું સ્વાસ્થય માટે હાનીકારક હોવાની તબીબો તથા ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’એ અનેકવાર ચેતવણી આપી છે. ડબ્લ્યુએચઓ અનુસાર, મીઠા દ્વારા વધુ પડતા સોડિયમના સેવનને કારણે 1.89 મિલિયન લોકો મૃત્યુ પામે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે મીઠું ખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે.
વધુ પડતું મીઠું ખાવાથી થતા રોગો
- હૃદય રોગઃ ટેબલ સોલ્ટમાં સોડિયમનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જો તમે વધુ પડતું મીઠું વાપરો છો તો શરીરમાં ધીમે ધીમે પાણી જમા થવા લાગે છે. શરીરમાં પાણી વધવાથી રક્તવાહિનીઓ પર દબાણ વધવા લાગે છે. હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે.
- કિડની રોગઃ વધુ પડતા મીઠાનું સેવન કરવાથી કિડની સંબંધિત બીમારીઓ થાય છે. આ સ્થિતિમાં કિડનીના કાર્યને અસર થાય છે. તેની સાથે કિડની ફેલ થવાનું જોખમ પણ વધી જાય છે.
- હાડકાં નબળાં થવાઃ વધુ પડતા મીઠાનું સેવન કરવાથી હાડકાં નબળા પડી જાય છે. હાડકાં અંદરથી નબળા અને પોલા થવા લાગે છે. જેના કારણે કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો જેવી સમસ્યાઓ નાની ઉંમરમાં વધી જાય છે.
- બેચેની વધેઃ જે લોકો વધુ પડતું મીઠું ખાય છે તેઓ ખૂબ જ બેચેનીથી પીડાય છે. તેની સાથે અનિદ્રાની સમસ્યા પણ થાય છે. જે માનસિક સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે.
એક દિવસમાં કેટલું મીઠું ખાવું યોગ્ય છે?
‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન’ અનુસાર, તંદુરસ્ત વ્યક્તિએ દરરોજ 5 ગ્રામ મીઠું ખાવું જોઈએ. એટલે કે વ્યક્તિએ આખા દિવસમાં 1 ચમચીથી વધુ મીઠું ન ખાવું જોઈએ. ઘણી વખત એવું બને છે કે તમે ચિપ્સ, જંક ફૂડ, ફળો, પ્રોસેસ્ડ ફૂડ દ્વારા વધુ પડતું મીઠું ખાઓ છો. પેક્ડ ફૂડમાં મીઠાનું પ્રમાણ ઘણું વધારે હોય છે. તેથી, ઓછામાં ઓછું બહારનું અથવા પેક્ડ ફૂડ ખાઓ.