વોશિંગ્ટન: ભારતના મિશન શક્તિ અભિયાનનો અમેરિકાએ બચાવ કર્યો છે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે ભારત અંતરીક્ષમાં સામે આવી રહેલા ખતરાને લઈને ચિંતિત છે અને તે દ્રષ્ટિએ આ મહત્વપૂર્ણ છે. ભારતે 27 માર્ચે જમીનથી અંતરીક્ષમાં પ્રહાર કરનારી એન્ટિ સેટેલાઈટ મિસાઈલથી પોતાના એક ઉપગ્રહને પરીક્ષણ દરમિયાન તોડી પાડયો હતો. તેની સાથે જ ભારત અંતરીક્ષની મહાસત્તાઓમાં પણ સામેલ થઈ ગયું છે. ભારતથી પહેલા આવી સિદ્ધિ અમેરિકા, રશિયા અને ચીનના નામે હતી.
આ પરીક્ષણ સાથે જ અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત એન્ટિ સેટેલાઈટ ક્ષમતા ધરાવતો ચોથો દેશ બની ગયો છે. અમેરિકાની કૂટનીતિક કમાનના કમાન્ડર જનરલ જોન ઈ હીતેને ગુરુવારે સેનેટની શક્તિશાળી સશસ્ત્ર સેવા સમિતિને કહ્યુ હતુ કે ભારતના એ-સેટથી પહેલી શીખ એ સવાલ છે કે તેમણે આમ કેમ કર્યું અને મને લાગે છે કે તેમણે આમ એટલા માટે કર્યું, કારણ કે તેઓ અંતરીક્ષમાંથી પોતાના દેશની સામે આવી રહેલા ખતરાને લઈને ચિંતિત છે.
તેમણે ભારતના આ એન્ટી સેટેલાઈટ મિસાઈળ પરીક્ષણને જરૂરત અનેતેનાથી અંતરીક્ષમાં ફેલાયેલા કાટમાળ બાબતે પુછવામાં આવેલા એક સવાલનો જવાબ આપતા કહ્યુ હતુ કે તેથી તેમને લાગે છે કે તેમની પાસે અંતરીક્ષમાં પોતાનો બચાવ કરવાની ક્ષમતા હોવી જોઈએ. નાસાએ ભારત દ્વારા પોતાના જ એક ઉપગ્રહને તોડી પાડવાને ભયાનક ગણાવતા કહ્યુ હતુ કે આનાથી અંતરીક્ષની કક્ષામાં ઉપગ્રહના લગભગ ચારસો ટુકડા ફેલાઈ ગયા, જેનાથી આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશનને ખતરો છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અંતરીક્ષમાં અમેરિકાની મિલ્કતોની સુરક્ષા અને ત્યાં દેશનું પ્રભુત્વ સ્થાપિત કરવાની દ્રષ્ટિથી સેનાની એક નવી વિંગ સ્પેસ ફોર્સની સ્થાપના કરવાનું વિચાર્યું છે. પરંતુ અમેરિકન કોંગ્રેસ આને લઈને સંશયની સ્થિતિમાં છે. દેશની સંસદનું કહેવું છે કે અંતરીક્ષના ક્ષેત્રમાં એકમાત્ર સેના હોવાનો શું મતલબ છે. ટ્રમ્પ અમેરિકાના ઉપગ્રહોની સુરક્ષા, અંતરીક્ષમાં સંવેદનશીલતાથી નિપટવા અને કક્ષામાં અમેરિકાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે સેનાની નવી વિંગ સ્થાપિત કરવા માટે ભાર મૂકી રહ્યા છે.