અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે. શુક્રવારે સવારે 6 વાગ્યથી રાતના 10 વાગ્યા સુધીમાં 91 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના કપરાડામાં 10 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ, અને જુનાગઢના વિસાવદરમાં 8 ઈંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ત્યારે શુક્રવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. વલસાડના કપરાડામાં 6 કલાકમાં સાડા નવ ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શુક્રવારે દિવસ દરમિયાન ખંભાળિયામાં 9 ઈંચ, વિસાવદરમાં 8 ઈંચ અને ધરમપુરમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડ જિલ્લામાં અને ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા દોઢ મીટર ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. તેમજ ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી હોય શુક્રવારે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વલસાડના કપરાડામાં 6 કલાકમાં સાડા નવ ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ધરમપુરમાં ચાર ઈંચ વરસાદ ખાબકતાં કોલક, પાર, તાન અને ઔરંગા નદીની જળસપાટીમાં વધારો થયો છે. લો લેવલના કોઝવે પર પાણી ફરી વળવાના કારણે 15 જેટલા રસ્તાઓ બંધ થયા છે. ધરમપુરના કેળવણી ખાતે લાવરી નદીનો કોઝવે પાણીમાં ડૂબી જતા લોકો ફસાયા હતા. તો મોટી પલસોન ગામે કરજલી-ખોરીપાડા પુલ પર વરસાદી પાણી ફરી વળવાના કારણે પ્રાથમિક શાળામાં ગયેલા વિદ્યાર્થીઓ ઘરે પરત ફરતી સમયે જીવના જોખમે પુલ પસાર કરતા જોવા મળ્યા હતા. કપરાડામાં ધોધમાર વરસાદના કારણે તીથલ-નાસિક સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. મધુબન ડેમના 10 દરવાજા દોઢ મીટર ખોલવામાં આવ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં છેલ્લા અઠવાડિયા દરમિયાન વરસેલા નોંધપાત્ર વરસાદના કારણે સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ મોડી સાંજે ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. ભાવનગર અને પાલિતાણાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.