સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલિત ઠંડીનો ચમકારોઃ રાજકોટમાં એક વ્યક્તિનું મોત
અમદાવાદઃ હિમાચલ અને ઉત્તરાખંડમાં થયેલી બરફવર્ષને પગલે ગુજરાતમાં ઠંડા પવન ફુંકાઈ રહ્યો છે. જેથી લોકો હાર્ડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડીને કારણે રાત્રે વહેલા જ રસ્તા સૂમસામ બની જાય છે. તેમજ લોકો ગરમ વસ્ત્રો અને અને તાપણાનો સહારો લઈને ઠંડીથી બચવાનો પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટમાં ઠંડીમાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં આજે 10 ડીગ્રીથી ઓછુ તાપમાન નોંધાયું હતું. જેથી રાજકોટ શહેર ઠંડીમાં ઝકડાઈ ગયું હતું. દરમિયાન કોઠારિયા રોડ ઉપર સુતા હનુમાન મંદિર પાસે એક યુવકની લાશ પડી હોવાની જાગૃત નાગરિકે જાણ કરતા ભક્તિનગર પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. યુવકનો ઠુંઠવાઇ ગયેલો મૃતદેહ મળ્યો હતો, તપાસમાં એક ફઈલ મળી હતી જેમાં 11તારીખે સિવિલ હોસ્પીટલમાં સારવાર લીધી હોવાની નોંધ હતી. જેમાં તેનું નામ ઓરિસ્સાના નોઈડાનો રવીન્દ્રકુમાર કૃષ્ણચંદકુમાર કુંવાર (ઉ.27) લખેલું હતું. દરમિયાન તેના વતનનો એક શખસની મદદથી ઓળખ કરવામાં આવી હતી.
રાત્રે ઠંડીમાં ઠુંઠવાઇ જતા મોત થયું હોવાની શંકાએ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ધીમેધીમે નીચે ઉતરી રહ્યો છે. જામનગરમાં 13, મોરબી-12,જૂનાગઢ-15.4, પોરબંદર-11, વેરાવળમાં 13.8 ડીગ્રી તાપમાન આજે નોંધાયું હતું. હજુ બે દિવસ સુધી રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને કચ્છ તેમજ ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા અને ગાંધીનગરમાં કોલ્ડવેવની હવામાન ખાતાએ આગાહી કરી છે. જેના કારણે અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં પણ ઠંડીનુ દોર વધી શકે છે.