પાલનપુરઃ બનાસડેરીની 55મી વાર્ષિક સાધારણ સભા બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી તેમજ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને પશુપાલકોની ઉપસ્થિતમાં દિયોદરના સણાદર ખાતે યોજાઈ હતી. બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ લાખો પશુપાલકોને 20.27 ટકા ભાવ વધારો આપવાની જાહેરાત કરતા લાખો પશુંપાલકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. બનાસડેરીએ 55મી વાર્ષિક સાધારણ સભામાં જાહેર કરેલા ઐતિહાસિક ભાવ ફેર વધારામાં 1852 કરોડ રૂપિયા પશુપાલકોને તેમજ 100 કરોડ રૂપિયા દૂધ મંડળીઓને ભાવ વધારો આપવામાં આવશે, એટલે કે પશુપાલકને 1952 કરોડ રૂપિયા જેટલો ભાવ વધારો મળશે.
આ અંગે બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મ નિર્ભરતાની જે વાત છે તે અહીંયા બનાસની માતા બહેનોએ સાર્થક કરી છે. આજે દૂધની કિંમત આપ્યા પછી જે ભાવ ફેર આવે છે એ આજે પશુપાલક માતા-બહેનોને એજીએમની અંદર મંજૂર કર્યો, તમામે તમામ એજન્ડા સાર્વજનિક રીતે, સામુહિક રીતે, સર્વાનુંમતે મંજૂર કરવાનું કામ કર્યું છું. દુનિયા માટે એક અલગ દીશા છે, નાના નાના પણ લાખો લોકો ભેગા થઈ પોતાનો વ્યવસાય કરી શકે, સામુહિક રીતે નિર્ણય કરી શકે તેનું અમને ગૌરવ છે. લગભગ 20 ટકા જેટલો ભાવ વધારો મળી કુલ 25 ટકા જેટલો ભાવ વધારો થયો છે. લાખ રૂપિયાનું દૂધ ભરાવ્યું હોઈ તો 30 હજાર મળી શકે છે.
બનાસડેરીનું ગત વર્ષે 15 હજાર કરોડ ટર્ન ઓવર હતું. આ વર્ષે 18 હજાર કરોડ ટર્ન ઓવર પહોંચ્યું છે. જેમાં બનાસડેરી દ્વારા પ્રતિકીલો દૂધના ફેટે 948 રૂપિયા સૌથી વધારે ભાવ આપવામાં આવ્યો છે. બનાસડેરીએ સહકારિતાનું ઉદાહરણ આપી અને લાખો પશુપાલકોની જાહેર સંમતિથી તમામ એજન્ડા બેઠકમાં પસાર કર્યા હતા. પશુપાલકોની ઉતરોતર પ્રગતિ થાય અને પશુપાલકોનું હિત જળવાઈ રહે તેવા બનાસ ડેરી પ્રયત્નો કરી રહી છે. વર્ષ 2015થી બનાસ ડેરી સતત દૂધનો ભાવ વધારો આપતી રહી છે ત્યારે આગામી સમયમાં પણ પશુપાલકોને બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ થકી વિવિધ કામો થકી પશુપાલકોને દૂધનો ભાવ વધારો મળી રહે તેવા પ્રયત્નો કરાશે. બનાસ મેડિકલ કોલેજમાં પશુપાલકોના 20 પેસા લેવામાં આવતા હતા. તે પણ હવે બંધ કરવામાં આવશે. મેડિકલ કોલેજમાં પશુપાલકોના સંતાનોની મેડિકલ ફી પચાસ ટકા લેવાય છે. બનાસડેરી દ્વારા જિલ્લાના લાખો પશુપાલકોને ઐતિહાસિક ભાવ વધારો આપતા જિલ્લામાં પશુપાલન કરતા લાખો પશુપાલકોમાં ખુશી છવાઈ છે, પશુપાલકોએ ઐતિહાસિક ભાવ વધારો મળતાં ખુશી વ્યક્ત કરી હતી.