1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદ : જમીનો ગેરકાયદે પચાવી પાડનારા સામે તવાઈઃ લેન્ડ ગ્રેબિંગની 400 માંથી 100 અરજીનો નિકાલ
અમદાવાદ : જમીનો ગેરકાયદે પચાવી પાડનારા સામે તવાઈઃ લેન્ડ ગ્રેબિંગની 400 માંથી 100 અરજીનો નિકાલ

અમદાવાદ : જમીનો ગેરકાયદે પચાવી પાડનારા સામે તવાઈઃ લેન્ડ ગ્રેબિંગની 400 માંથી 100 અરજીનો નિકાલ

0
Social Share

અમદાવાદઃ શહેર અને જિલ્લામાં ભૂમાફિયા દ્વારા જમીન પચાવી પાડવાની 400 જેટલી ફરિયાદો મળી હતી. જેમાં નવા કાયદા લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાયદેસર પગલાં ભરીને 100 ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં ભૂમાફિયા વિરુદ્ધ રાજ્ય સરકારે નવો કાયદો લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલમાં મુક્યા બાદ ભૂમાફિયા પર સરકાર આકરા પગલાં ભરી રહી છે. ત્યારે ગુજરાતમાં સૌપ્રથમવાર લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લાની 400 પૈકી 100 અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. લોકોની ગેરકાયદે જમીન પચાવીને પોતાના નામે કરી લેનારા ભૂમાફિયા વિરૂદ્ધ આ કાયદા અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં 21 દિવસની અંદર આરોપી વિરુદ્ધ યોગ્ય પગલાં લેવાની જોગવાઈ કરવામાં આવી છે. સાથે તે માથાભારે વ્યક્તિ હોય તો તપાસ સમિતિને પોલીસ મદદ પણ મળી શકે છે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા જ્યારથી આ કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. ત્યારથી જમીનો ગેર કાયદે પચાવી પાડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી  100 જેટલાં કેસનો નિકાલ કરાયો છે. જેમાં 53 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ કેસોમાં કલેક્ટર દ્વારા લગભગ ત્રણ બેઠક કરી હતી. જેમાં 34 હેક્ટર જેટલી અલગ-અલગ જમીન પચાવી પાડનાર લોકો સામે કાર્યવાહી કરી છે. આ જમીનની અંદાજીત કિંમત રૂ. 1350 કરોડ થાય છે. ગેરકાયદે જમીન પર કબ્જો કરનારા વ્યક્તિ પાસેથી મુક્ત કરાવી છે. લોકોની ફરિયાદ મળતા કલેક્ટરે પ્રાંત અધિકારીઓને સૂચના આપી છે કે કોઈ ગેરકાયદે જમીન પચાવી પાડનારા વ્યક્તિ ધ્યાનમાં આવે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરવી. અમદાવાદ જિલ્લામાં આ જમીન પચાવી પાડનાર લોકો સબધી 400 જેટલી અરજી જિલ્લા કલેકટર ને મળી હતી. આ કાયદા જ્યારથી અમલી બન્યો ત્યારથી આ ફરિયાદને લઈને કલેક્ટરે આ અરજીના નિકાલ માટેના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. જોકે કોરોનાની બીજી લહેરના કારણે આ બાબતે વધું તપાસ થઈ ન હતી, પરંતુ અત્યાર સુધી આ અરજીઓને લઈને 3 બેઠક કલેક્ટર, પ્રાંત અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓ સાથે મળી હતી. જેમાં 100 જેટલી અરજીનો નિકાલ લાવી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં સૌપ્રથમ વાર આ ભૂમાફિયા વિરુદ્ધ આટલી ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં પણ આ ભૂમાફિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યના મહેસૂલ વિભાગ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન વિધેયક, 2020 પાસ કરાયું હતું. આ કાયદામાં જણાવાયા અનુસાર જો કોઇ વ્યક્તિ કે વધુ વ્યક્તિઓ સરકારી, ધર્માદાની સંસ્થા કે અંગત માલિકીની જમીન પચાવી પાડીને તેને વેચે, અન્ય કોઇને સોંપે,વેચાણ હેતુ જાહેરાત આપે કે આ હેતુથી કબ્જામાં લે, બીજાને જમીન પચાવી પાડવા માટે ઉશ્કેરે, પોતે આવી જમીનનો ઉપયોગ કરે કે અન્યને ઉપયોગની પરવાનગી આપે, તેના પર મકાન ચણવાના કરારોમાં સામેલ થાય, અને પોતે કે અન્ય વ્યક્તિઓ મારફતે આ પ્રવૃત્તિઓ કરાવે તો તેના વિરુદ્ધ આ કાયદાની જોગવાઇ લાગુ પડશે. જો એવું માલૂમ પડશે કે જમીન પચાવી પાડવાના ગુનામાં કોઇ કંપની સામેલ છે તો તે કંપનીના તમામ પ્રભારી વ્યક્તિઓ વિરુદ્ધ આ ગુન્હો લાગુ પડશે. સરકાર આ માટે દરેક જિલ્લે સ્પેશિયલ કોર્ટની રચના કરશે જ્યાં આવા કેસનો ખટલો ચલાવવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code