નવી દિલ્હીઃ યુક્રેનના રાજદૂતે યુરોપિયન દેશોની સીમા પર યુક્રેનમાં ફસાયેલા ભારતીયો સાથે થયેલા ખરાબ વર્તનને લઈને સ્પષ્ટતા આપી છે. તેણે કહ્યું છે કે યુક્રેન કોઈની સાથે ભેદભાવ કરતું નથી. યુક્રેન માટે તમામ દેશોના નાગરિકો સમાન છે અને તમામ ભારતીયોને સુરક્ષિત રીતે મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ રાજધાની દિલ્હીમાં કહ્યું હતું કે, રશિયાનો હુમલો એક મોટી દુર્ઘટના છે. રશિયન બોમ્બ અને મિસાઇલો આખા યુક્રેન પર પડી રહી છે. આવી સ્થિતિમાં હજારો લોકો યુક્રેન છોડીને પડોશી યુરોપિયન દેશોમાં પહોંચી રહ્યા છે. એવી કેટલીક ઘટનાઓ બની છે જેમાં સરહદ પર તૈનાત જવાનોએ શરણાર્થીઓ સાથે ગેરવર્તન કર્યું હતું. આવી સ્થિતિમાં તમામ શરણાર્થીઓ શિસ્તનું પાલન કરે તે ખૂબ જ જરૂરી છે. યુક્રેન માટે તમામ દેશોના નાગરિકો સમાન છે.
પોલેન્ડ અને અન્ય દેશોની સરહદો સાથે યુક્રેનની સરહદની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા જેમાં યુક્રેનના સૈનિકો દુર્વ્યવહાર કરતા અને હવામાં ગોળીબાર કરતા જોવા મળ્યા હતા. કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે યુક્રેનના સૈનિકો સરહદ પાર કરવામાં ભેદભાવ કરી રહ્યા છે. કેટલાક વીડિયોમાં ભારતીયો પણ દેખાયા હતા. આ જ કારણ છે કે દિલ્હીમાં યુક્રેનના રાજદૂતે સમગ્ર મામલે ખુલાસો કરવો પડ્યો હતો.
યુક્રેનના રાજદૂતએ કહ્યું હતું કે તેમનો દેશ આક્રમણનો શિકાર છે. તેથી આ શરણાર્થી-કટોકટી માટે તેમને દોષી ઠેરવી શકાય નહીં. આ યુદ્ધનો સમય છે અને યુક્રેનમાં ખૂબ જ ગંભીર સંકટ ઉભું થઈ રહ્યું છે. ભારતે તેના ભાગલા સમયે આવી માનવીય દુર્ઘટના જોઈ છે. પરંતુ યુક્રેન કોઈપણ પરિસ્થિતિમાં ભારતને મદદ કરવા તૈયાર છે. આ માટે ખુદ ભારતના વિદેશ સચિવ એક દિવસ પહેલા જ તેમને મળ્યા હતા.