અમદાવાદઃ ઉત્તરાયણ પર્વમાં બનતા અકસ્માતના બનાવોમાં તુરંત સારવાર આપવા માટે શહેર અને જિલ્લામાં કાર્યરત 108 એમ્બ્યુલન્સ સેવાને સાબદી કરવામાં આવી છે. ઉત્તરાયણના પર્વે સામાન્ય દિવસોની સાપેક્ષે 108ના ઇમર્જન્સી કોલમાં 30 ટકાથી વધુનો વધારો થાય છે અને વાસી ઉત્તરાયણના દિવસે 24 ટકાનો વધારો થાય છે.
જીવીકે-ઇએમઆરઆઇના તારણો એવું સૂચવે છે કે, ગુજરાતમાં પ્રતિદિન સરેરાશ 3350 કોલ આવે છે. તેની સામે તા. 14ના ઉત્તરાયણ અને તા. 15ના વાસી ઉત્તરાયણમાં 32 ટકા જેટલો વધારો થાય છે. એટલે કે તા. 14ના દિવસે 32 ટકા અને તા. 15ના રોજ 24 ટકા વધુ ફોન આવે છે.
વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પ્રતિદિન 181 જેટલા ઇમર્જન્સી કોલ્સ આવે છે. હવે ઉત્તરાયણના દિવસે આ ઇમર્જન્સી 274 સુધી પહોંચી જવાની સંભાવના છે. હાલમાં શહેરમાં 108ની એમ્બ્યુલન્સનો રિસ્પોન્ડ ટાઇમ 11 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં રિસ્પોન્ડ ટાઇમ 16 મિનિટ અને 32 સેકન્ડનો છે. આ પર્વમાં મહત્તમ કોલ સવારના 12 વાગ્યાથી સાંજના 9 વાગ્યા દરમિયાન મળે છે.
પાછલા પર્વોના અનુભવોને ધ્યાને રાખીને ઉત્તરાયણ પર્વમાં એમ્બ્યુલન્સના સ્ટેન્ડ બાયના લોકેશનમાં બદલવા કરવામાં આવ્યો છે. વડોદરા શહેરની પેરફરીમાં કેટલીક વધુ 108 એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવશે. જેથી ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝડપથી પહોંચી શકાય. તેમ 108ના પ્રોજેક્ટ મેનેજર વિપીનભાઇ ભેટારિયાએ કહ્યું હતું.
વડોદરા શહેરમાં 26 મળી જિલ્લામાં કુલ 43 એમ્બ્યુલન્સ છે. તેની સાથે 218 કર્મયોગીઓ કામ કરે છે. તેઓ ઉત્તરાયણ પર્વના આનંદ માણવાનું ત્યાગી લોકસેવા માટે ફરજ બજાવશે. આ વખતે વડોદરામાં વાહન ઉપરથી પડી જવાથી અને અન્ય રીતે પડી જવાથી ઘાયલ થવાના 55થી 60 કેસો આવવાની શક્યતાને ધ્યાને રાખીને ગોત્રી અને એસએસજી હોસ્પિટલ ખાતે વધારાના કર્મયોગીને ફરજ સોંપવામાં આવી છે. જેથી એમ્બ્યુલન્સનો ઓક્યુપન્સી ટાઇમ ઘટાડી શકાય. આ વખતથી દોરીથી ઘાયલ થવાના કેસ અલગથી નોંધવામાં આવશે.