સુરતઃ અમરનાથની યાત્રાનું વિશેષ મહાત્મ્ય છે. દુર્ગમ ગણાતી આ યાત્રાનો 29 જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. જે 19 ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે લોકસભાની ચૂંટણીને લીધે પ્રવાસનો સમયગાળો 60 દિવસને બદલે 45 દિવસનો નિયત કરાયો છે. અમરનાથ યાત્રા માટે અગાઉથી રજિસ્ટ્રેશન તેમજ ફિટનેસ સર્ટી. લેવું ફરજિયાત છે. અને મેડિકલ સર્ટી. માટે કામગીરીનો પ્રારંભ કરાતા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લોકોની લાઈનો જોવા મળી રહી છે. નવી સિવિલમાં જૂના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર રોજ સવારે 9થી 12 વાગ્યા સુધી કામગીરી ચાલશે. શનિવારે પહેલો દિવસ છે એટલે મોટી સંખ્યામાં લોકો ફિટનેસ પ્રમાણપત્ર લેવા માટે આવ્યા હતા.
સુરતના નવી સિવિલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ અમરનાથ યાત્રા માટે 15મી એપ્રિલથી રજિસ્ટ્રેશનનો પ્રારંભ થવાનો હોવાથી ફિટનેસ સર્ટીફિકેટ આપવાની કામગીરીનો શનિવારથી પ્રારંભ કરાયો છે. 13 વર્ષથી નાની વયનાં બાળકો, 75 વર્ષથી મોટી વયના વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને બાયપાસ સર્જરી કે સ્ટેન્ટ મુકાવનારા હાર્ટ પેશન્ટોને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ અપાશે નહીં. લાંબી લાઇન ટાળવા આ વખતે પણ નવી સિવિલમાં ટોકન સિસ્ટમ રખાઈ છે. એક દિવસમાં 500 ટોકન અપાશે.
અમરનાથ યાત્રા માટેનું રજિસ્ટ્રેશન 15 એપ્રિલને સોમવારથી શરૂ થશે, ઉપરાંત ચારધામ યાત્રાનું પણ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. જોકે અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે શ્રદ્ધાળુઓને સરકારની ગાઇડલાઇનનું પાલન ફરજિયાત કરવું પડશે. ચારધામ યાત્રા માટે યાત્રીઓને કોઇપણ પ્રકારના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર નથી. યાત્રા પર જનારી વ્યક્તિના પાસપોર્ટ સાઇઝના 4 ફોટોગ્રાફ, આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત કોઇપણ એક ફોટો, આઇડી પ્રુફ (ઓરિજિનલ અને ઝેરોક્સ બંને સાથે લાવવા પડશે) હેલ્થ સર્ટિફિકેટ ફોર્મની બે નકલ પણ યાત્રીઓએ લાવવાની રહેશે.
સિવિલ હોસ્પિટલના સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમરનાથ યાત્રામાં પર જવા ફિટનેસ માટેના જે નિયમો છે એ સાઈનબોર્ડ તરફથી નક્કી થયા છે, તેનું ફોર્મેટ પણ સાઈન બોર્ડ દ્વારા આપવામાં આવ્યું છે અને તે મુજબ જે જે ચેક કરવાનું હોય છે તે તમામની સુવિધા સિવિલ હોસ્પિટલમાં એક છત નીચે જ કરવામાં આવી છે. શનિવારે સવારથી જ ટોકન આપવાનું શરુ કરી દેવામાં આવ્યું છે, અત્યાર સુધીમાં 400 ટોકન અપાઈ ગયા છે.