અમદાવાદઃ શહેરમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપ ફાઈનલ મેચનો રસાકસીભર્યો મુકાબલો થશે. આ મેચમાં ભારતના વિજય માટે ગુજરાતના અનેક મંદિરોમાં શનિવારે વિશેષ પૂજા, પ્રાથના અને હવન યોજાયા હતા ટીમ ઈન્ડિયા ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને વિશ્વ ચેમ્પિયન બને તેવી ક્રિકેટ ફેન્સ કામના કરી રહ્યાં છે. સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર દ્વારા સ્વામિનારાયણ ભગવાન ઉપર પુષ્પોથી અભિષેક કરવામાં આવ્યો હતો અને ભારતના વિજય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
ગુજરાતના ઘણા મંદિરોમાં ભારતની જીત માટે વિશે, પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના દાડિયા બજારમાં અકોટા બ્રિજ નજીક આવેલા શનિ મંદિરમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના પોસ્ટર અને બેનરો લગાવીને ભારતીય ટીમના ભવ્ય વિજય માટે ભગવાન શનિદેવ પર તેલનો અભિષેક કરીને વિશેષ પ્રાર્થના કરવામાં આવી રહી છે. ભક્તો તેમજ મંદિરના પૂજારી દ્વારા ઈન્ડિયા-ઈન્ડિયાના નારા લગાવીને ભારતીય ટીમના વિજય અંગેનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. આવી જ રીતે શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા પણ ટીમ ઈન્ડિયાના વિજય માટે ઠેર-ઠેર મસ્જિદોમાં અને ઘરે દુઆ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં પણ આર્મી પરિવાર ગ્રુપ દ્વારા ભારતીય ટીમ વિશ્વકપ વિજેતા બને તે માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આવી જ રીતે શહેરના હાથીજણ સર્કલ નજીક પુષ્પક સિટીના રહીશો દ્વારા ટીમ ઈન્ડિયાની જીત માટે યજ્ઞમાં આહૂતિ આપવામાં આવી હતી. તેમજ ક્રિકેટ પિલ્લયાર નામથી જાણીતા ગણેશ મંદિરમાં પણ ટીમ ઈન્ડિયાની જીત માટે ખાસ પૂજા કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે, આ મંદિરમાં ખેલાડીઓના રૂપમાં ભગવાન ગણપતિની મૂર્તિઓ છે. જેમાં ગણેશજી બેટિંગ અને બૉલિંગ કરતાં હોય તેવા અવતારમાં જોવા મળી રહ્યાં છે. ટીમ ઈન્ડિયાના પ્રતિક સમાન અગિયાર શિશ વાળી ભગવાન ગણેશની મૂર્તિ ક્રિકેટ રસિકોને આકર્ષિત કરી રહી છે. મોટાભાગે ટીમ ઈન્ડિયાની મેચ પૂર્વે ફેન્સ આ મંદિરમાં પૂજા કરવા અચૂક આવે છે. આ વખતે પણ ટીમ ઈન્ડિયાને વિશ્વ ચેમ્પિયન બનાવવા માટે મંદિરમાં ફેન્સ સતત પ્રાર્થના કરી રહ્યાં છે.