નવી દિલ્હીઃ બળજબરીથી ધર્મ પરિવર્તનના વિરોધમાં કાનૂન બનાવવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીની સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે આ મુદ્દાને ગંભીર બતાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે, આ મુદ્દાને રાજકીય રંગ ન આપવો જોઈએ. આ અરજી પર વધુ સુનાવણી તા. 7મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.
સુપ્રીમ કોર્ટે અશ્ની કુમાર ઉપાધ્યાયની અરજી ઉપર સુનાવણી કરી હતી. જેમાં જળબજરીથી ધર્મ પરિવર્તન ઉપર નિયંત્રણ મુકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. તેમજ કહ્યું હતું કે, બળજબરથી ધર્મ પરિવર્તન રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરી શકે છે અને નાગરિકોની ધાર્મિક સ્વતંત્રતા ઉપર અતિક્રમણ કરવા સમાન છે. તેમણે અરજીમાં દાવો કર્યો હતો કે, બળજબરીથી ધર્માંતરણ રાષ્ટ્રવ્યાપી સમસ્યા છે, જેમાંથી તાત્કાલિક છુટકારો જરૂરી છે. દેશમાં એક પણ જિલ્લો નહીં હોય જ્યાં અસામાજીક તત્વો દ્વારા ધર્મ પરિવર્તન ન કરાવવામાં આવતું હોય.
આ અરજીની ગત સુનાવણી તા. 12મી ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. જેમાં સર્વોચ્ચ અદાલતે અરજદાર અશ્વિની ઉપાધ્યાયને કહ્યું હતું કે, અરજીમાંથી લઘુમતી કોમના વિરુદ્ધ કરાયેલા નિવેદનો હટાવો, તેમજ ધ્યાન રાખો કે આવી કોઈ પણ પ્રકારની ટીપ્પણી રેકોર્ડ ઉપર ના આવે. અરજદાર તરફથી કોર્ટમાં રજૂ થયેલા અરવિંદ દાતારએ કોર્ટના આદેશના પાલનનું આશ્વાસન આપ્યું હતું. તેમજ કહ્યું હતું કે, જો આ અપમાનજનક ટીપ્પણી છે તો તેને હટાવી દેવામાં આવશે. કેન્દ્ર સરકારના સોગંદનામાને ધ્યાનમાં રાખીને સુનાવણી 9 જાન્યુઆરી સુધી મુલત્વી રાખી હતી.
સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં માગણી કરવામાં આવી હતી કે, ધર્મ પરિવર્તનના કિસ્સાઓને રોકવા માટે અલગ કાયદો બનાવવો જોઈએ નહીંતર આ અપરાધને ભારતીય દંડ સંહિતા (આઈપીસી)માં સામેલ કરવામાં આવે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ મુદ્દો કોઈ એક સ્થળ સાથે સંબંધિત નથી, પરંતુ સમગ્ર દેશની સમસ્યા છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, ધર્મ પરિવર્તનના આવા કિસ્સા આદિવાસી વિસ્તારોમાં વધુ જોવા મળે છે. તેના પર કોર્ટે તેમને પૂછ્યું કે જો આવું છે તો સરકાર શું કરી રહી છે. આ પછી કોર્ટે કેન્દ્રને આ મામલામાં ઉઠાવવામાં આવનાર પગલાં સ્પષ્ટ કરવા જણાવ્યું હતું. કોર્ટે એમ પણ કહ્યું કે બંધારણ હેઠળ ધર્માંતરણ કાયદેસર છે, પરંતુ બળજબરીથી ધર્માંતરણ નથી. હવે આ કેસની અરજી 7મી ફેબ્રુઆરીના રોજ યોજાશે.