ગિરનારની લીલી પરિક્રમામાં ત્રણ દિવસમાં 13 લાખથી વધુ યાત્રિકો નોંધાયા, ગત વર્ષનો રેકોર્ડ તૂટ્યો
જુનાગઢઃ ગરવો ગઢ ગિરનાર, સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નર ને નાર. આદિ અનાદી કાળથી ચાલી આવતી પરંપરા એટલે ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમા, દર વર્ષે કારતક સુદ અગિયારસથી યોજાતી લીલી પરિક્રમામાં આ વખતે રેકોર્ડ બ્રેક પદયાત્રિકો નોંધાયા છે. પવિત્ર લીલી પરિક્રમાને ત્રણ દિવસ પૂર્ણ થયા છે. ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક ભાવિકોની સંખ્યા નોંધાઈ હતી. જે ગત વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ગત વર્ષે 12 લાખ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી હતી જ્યારે કે, ચાલુ વર્ષે 13 લાખથી વધુ યાત્રિકોએ પરિક્રમા પૂર્ણ કરી છે.
જૂનાગઢમાં લીલી પરિક્રમા દરમિયાન ભજન, ભોજન અને ભક્તિનો અનોખો સંગમ જામ્યો છે. પ્રકૃતિની રૂબરૂ થવા લાખોની સંખ્યામાં ભાવિકો આવી પહોંચતા જૂનાગઢના રસ્તાઓ પર લોકોનું મહેરામણ જોવા મળ્યું હતુ. યાત્રાના ત્રણ દિવસ દરમિયાન 13 લાખથી વધુ પદયાત્રિકો પરિક્રમાના રૂટ પર નોંધાયા હતા. પરિક્રમાના કારણે ભવનાથ ક્ષેત્રમાં હકડેઠઠ મેદની જોવા મળી રહી છે. લીલી પરિક્રમા માટે જે રીતે ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું છે તેને જોતા લાગી રહ્યું છે કે, લોકો નાની મોટી મુશ્કેલીઓ પણ ભૂલી ગયા છે. પરિક્રમા પૂર્ણ કરી મોટી સંખ્યામાં ભાવિકો બહાર આવતા એક્ઝિટ ગેટ પાસે ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. જો કે, લોકો આ ભીડની વચ્ચે પણ ‘જય ગિરનારી’ના નાદ સાથે આગળ વધતા જોવા મળ્યા હતા. દેવદિવાળીની રાત્રે પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો હતો. પરંતુ, દેવદિવાળી પહેલા જ પરિક્રમા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી જતા ગેટને વહેલો જ ખોલવાની ફરજ પડી હતી. જેથી મોટી સંખ્યામાં ભાવિકોએ વિધિવત પરિક્રમાનો પ્રારંભ થાય તે પહેલા જ પૂર્ણ કરી લીધી હતી.
જૂનાગઢમાં પરિક્રમા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય તંત્ર દ્વારા પૂર્વ તૈયારી કરવામાં આવી હતી. .તંત્રની સાથે સેવાભાવીઓ પણ યાત્રિકોની સેવા માટે આવી ગયા હતા.. જેના કારણે યાત્રિકોએ કોઈ ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો.