યાત્રાધામ ડાકોરમાં ગોમતી તળાવ ગટરોના પાણીથી પ્રદૂષિત બન્યુ, નગરપાલિકાની નિષ્ક્રિયતા
નડિયાદઃ ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રોજબરોજ અનેક યાત્રાળુઓ ઠાકોરજીના દર્શન માટે આવતા હોય છે. યાત્રિકો મંદિરમાં દર્શન કર્યા બાદ પવિત્ર ગોમતી તળાવની મુલાકાતે જતા હોય છે. પણ છેલ્લા ઘણા વખતથી પવિત્ર ગોમતી તળાવના નીર પ્રદૂષિત થઈ રહ્યાં હોવા છતાં નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય છે. ગોમતી તળાવમાં ગટરના પાણી ભળતા તળાવનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે તેની સામે આ પ્રદૂષિત જળનું ભક્તો આચમન કરતા આસ્થા સહિત આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે.
યાત્રાધામ ડાકોર ખાતે આવેલા પવિત્ર ગોમતી તળાવ ડાકોરની ધરોહર છે. ડાકોર ખાતે દર્શનાર્થે આવતા યાત્રાળુઓ પવિત્ર ગોમતી તળાવમાં અચૂક ડૂબકી લગાવે છે અને કેટલાક યાત્રાળુઓ તળાવના જળનું આચમન પણ કરતા હોય છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ગોમતીના નીર પ્રદૂષિત બન્યા હોવાની બૂમો ઉઠી છે. ગોમતી તળાવની આસપાસમાં આવેલી ગટરો ઉભરાતા ગટરમાંથી ગંદા પાણી ઉભરાઈને તળાવના પાણીમાં ભળતા જોવા મળી રહ્યાં છે. આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં નગરપાલિકા તંત્ર આ મામલે આંખ આડા કાન કરી રહ્યું છે.
છેલ્લા કેટલાક સમયથી ડાકોરના વિવિધ વિસ્તારોમાં બિસ્માર માર્ગો તથા ગટરો ઉભરાવાની સમસ્યા સાથે અપૂરતા પાણીની સુવિધા અંગેની અવારનવાર ફરીયાદો ઉઠી છે. તાજેતરમાં જ પાણીના પ્રશ્નને લઈ ડાકોર નગરપાલિકામાં કેટલાક સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો. થોડા દિવસો અગાઉ સ્થાનિકો દ્વારા સાફ સફાઈને મુદ્દે નગરપાલિકા સંકુલમાં કચરો ઠાલવી પાલિકાના સત્તાધિશો સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રાથમિક સુવિધા આપવામાં ઉણું ઉતરેલું નગરપાલિકા તંત્ર નગરમાં રોગચાળારૂપી આફત ત્રાટક્યા બાદ જાગશે? તે પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.