હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ ભાજપાની પ્રથમ યાદી બાદ ભંગાણ
- પાંચ નેતાઓએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું
- ભાજપાએ ડેમેજ કન્ટ્રોલની તૈયારીઓ આરંભી
નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર તેજ કરવામાં આવ્યો છે. દરમિયાન ભાજપા દ્વારા 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપાની પ્રથમ યાદી બાદ અનેક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે, એટલું જ નહીં પાંચ નેતાઓએ રાજીનામા આપી દીધા છે. બીજી તરફ અનેક નેતાઓ ટીકીટ નહીં મળતા પોતાના સમર્થકો સાથે બેઠકો કરીને આગામી રણનીતિ તૈયાર કરી રહ્યાં છે. પૂર્વ કેબિનેટ મંત્રી કવિતા જૈને આંખોમાં આંસુ સાથે કાર્યકરો સાથે વાત કરી હતી, તેમજ પાર્ટીને ટીકીટ ફાળવવા માટે ગર્ભીત ધમકી આપ્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ભાજપાએ નેતાઓની નારાજગીને ડામવા માટે ડેમેજ કન્ટ્રોલની કવાયત તેજ બનાવી છે.
ઈન્દ્રી બેઠક ઉપર ભાજપાએ રામકુમાર કશ્યપને મેદાનમાં ઉતાર્યાં છે. જેનાથી નારાજ હરિયાણા બીજેપી ઓબીસી મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી કર્ણદેવ કંબોજએ રાજીનામું આપ્યું છે. તેમજ ગદ્દારોને મહત્વ આપવાનો પાર્ટી ઉપર આક્ષેપ કર્યો છે. રતિયા બેઠક ઉપર ભાજપાએ પૂર્વ સાંસદ સુનીતા દુગ્ગલને ટીકીટ ફાળવી છે. જેથી નારાજ લક્ષ્મણ નાપાએ રાજીનામું ધરી દીધું છે. તેઓ આગામી દિવસમાં કોંગ્રેસમાં જોડાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
બવાની ખેડા બેઠક ઉપર કપૂર વાલ્મિકીને ટીકીટ આપવામાં આવી છે. જેની સામે નારાજગી વ્યક્ત કરીને સુખવિંદર શ્યોરાણએ કિસાન મોર્ચાના અધ્યક્ષ પદની સાથે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ઉકલાના બેઠક ઉપરથી ભાજપાએ અનૂપ ધાનકને મેદાનમાં ઉતાર્યાં છે. દરમિયાન અયોગ્ય રીતે ટીકીટ ફાળવણીનો આરોપ લગાવીને સિનિયર નેતા શમશેર ગિલએ રાજીનામું ધરી દીધું છે.
સોનીપત બેઠક ઉપર ભાજપાએ નિખિલ મદાનને ટીકીટ ફાળવી છે. જેથી નારાજ થઈને સોનીપતના ભાજપા યુવા પ્રદેશ કાર્યકારિણી સભ્ય અને વિધાનસભા ચૂંટણી પ્રભારી અમિત જૈને પણ રાજીનામું ધરી દીધું છે. આ ઉપરાંત ટીકીટ ફાળવણીને લઈને હજુ અનેક નેતાઓ નારાજ હોવાનું મનાઈ રહ્યું છે. જેથી હજુ રાજીનામા પડે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ ભાજપા હાઈકમાન્ડે પણ ડેમેજ કન્ટ્રોલ માટે કવાયત વધારે તેજ બનાવી છે.