દિલ્હીઃ- મણિપુરના મુદ્દે ગૃહમાં ભારે હોબાળો થઈ રહ્યો છે. વિપક્ષ સતત વડાપ્રધાન પાસે સંસદમાં મણિપુર પર નિવેદન આપવાની માંગ કરી રહ્યું છે. દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યા છે કે 26 રાજકીય પક્ષો ધરાવતા વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ના સાંસદો આવનારા દિવસોમાં 29 30 જુલાઈના રોજ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લઈ શકે છે.
બીજી તરફ મણિપુરના મુદ્દે વિપક્ષ સરકાર પર સતત હુમલો કરી રહ્યો છે. વડાપ્રધાન પર કટાક્ષ કરતા શિવસેનના નેતા સંજય રાઉતે કહ્યું કે, ‘છેલ્લા આઠ દિવસથી વિવિધ રાજકીય પક્ષો પીએમ મોદીનું ધ્યાન મણિપુર મુદ્દા તરફ વાળવાનો પ્રયાસ કરી રહ્યા છે. વડાપ્રધાને આ અંગે બોલવું જોઈએ.
તેમણે પીએમ મોદીને મણીપુર મામલે અપીલ કરી હતી અને કહ્યું કે આ રાજ્યનો નહીં પરંતુ સમગ્ર દેશનો મુદ્દો છે. મણિપુર સળગી રહ્યું છે અને લોકો મરી રહ્યા છે. મણિપુરની આગ અન્ય રાજ્યોમાં પણ ફેલાઈ શકે છે. અમે પીએમ મોદીને આ મુદ્દે આગળ આવવા અને બોલવાની અપીલ કરીએ છીએ.
મણીપુરની મુલાકાતને લઈને કોંગ્રેસના નેતા મણિકમ ટાગોરે માહિતી આપી હતી કે 20 થી વધુ સાંસદોનું એક પ્રતિનિધિમંડળ આ સપ્તાહના અંતમાં મણિપુરની મુલાકાત લેશે અને રાજ્યની સ્થિતિની સમીક્ષા કરશે.
વધુમાં ટાગોરે જણાવ્યું હતું કે વિપક્ષી સાંસદો લાંબા સમયથી હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેવા ઇચ્છતા હતા પરંતુ ત્યાંની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને મંજૂરી ન આપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ ગત દિવસોમાં મણિપુરની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે સંસદનું ચોમાસુ સત્ર શરુ થયું છે ત્યારથી વિપક્ષ મણીપુરના મુદ્દા પર અડગ રહી છે.વિપક્ષ મણિપુરને લઈને સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. વિપક્ષની માંગ છે કે વડાપ્રધાન મણિપુર હિંસા અંગે સંસદમાં નિવેદન આપે. સાથે જ સરકારનું કહેવું છે કે તે ચર્ચા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ રાજનીતિ કરી રહ્યો છે.આવી સ્થિતિમાં હવે આગામી દિવસોમાં વિપક્ષ મણીપુિરની મુલાકાત લેવા જઈ રહી છે.