1. Home
  2. ગુજરાતી
  3. અવકાશ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારત કેટલાક ગણતરીના અગ્રણી દેશોમાં એક: રાષ્ટ્રપતિ
અવકાશ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારત કેટલાક ગણતરીના અગ્રણી દેશોમાં એક: રાષ્ટ્રપતિ

અવકાશ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારત કેટલાક ગણતરીના અગ્રણી દેશોમાં એક: રાષ્ટ્રપતિ

0
Social Share

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુનું 74મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ સંબોધન કરતા જણાવ્યું કે, ચુમોતેરમા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ, દેશ અને વિદેશમાં રહેતા આપ સૌ ભારતીયોને, હું હાર્દિક અભિનંદન પાઠવું છું. બંધારણ અમલમાં આવ્યું તે દિવસથી લઈને આજ સુધીની આપણી સફર અદ્ભુત રહી છે અને તેનાથી બીજા ઘણા દેશોને પ્રેરણા મળી છે. દરેક નાગરિક ભારતની ગૌરવગાથા પર ગર્વ અનુભવે છે. આપણે જ્યારે ગણતંત્ર દિવસ ઉજવીએ છીએ, ત્યારે આપણે એક રાષ્ટ્ર તરીકે સાથે મળીને જે સિદ્ધિઓ મેળવી છે તેની આપણે ઉજવણી કરીએ છીએ.

ભારત, દુનિયાની સૌથી જૂની જીવંત સંસ્કૃતિઓમાંથી એક છે. ભારતને લોકશાહીની જનેતા કહેવામાં આવે છે. છતાં પણ, આપણું આધુનિક ગણતંત્ર યુવાન છે. સ્વતંત્રતાના પ્રારંભિક વર્ષોમાં, આપણે અસંખ્ય પડકારો અને વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હતો. લાંબા વિદેશી શાસનના અનેક ખરાબ પરિણામોના બે દુષ્પ્રભાવ હતા – ભયંકર ગરીબી અને નિરક્ષતા. છતાં પણ, ભારત અડગ રહ્યું. આશા અને વિશ્વાસ સાથે, આપણે માનવજાતના ઈતિહાસમાં એક અનોખો પ્રયોગ શરૂ કર્યો. આટલી મોટી સંખ્યામાં આટલી વિવિધતાઓથી ભરેલા જન-સમુદાય – એક લોકશાહી તરીકે ક્યારેય એકજૂથ નહોતા થયા. આવું આપણે એવા વિશ્વાસ સાથે કર્યું કે, આપણે બધા એક છીએ, અને આપણે સૌ ભારતીયો છીએ. આટલા બધા સંપ્રદાયો અને આટલી બધી ભાષાઓએ ક્યારેય આપણને વિભાજિત નથી કર્યા પરંતુ એકજૂથ કર્યા છે. તેથી જ આપણે લોકશાહી ગણતંત્ર તરીકે સફળ થયા છીએ. આ જ ભારતનો સાર છે.

ભારતનો આ સાર, બંધારણના કેન્દ્રમાં રહેલો છે અને સમયની કસોટી પર ખરો ઉતર્યો છે. સ્વતંત્રતાના સંગ્રામના આદર્શોને અનુરૂપ આપણા ગણતંત્રને આધાર આપનારું બંધારણ ઘડાયું. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં, રાષ્ટ્રીય ચળવળનો ઉદ્દેશ્ય સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની સાથે સાથે ભારતીય આદર્શોને ફરી સ્થાપિત કરવાનો પણ હતો. દાયકાઓ સુધી ચાલેલા તે સંઘર્ષ અને બલિદાને, આપણને માત્ર વિદેશી શાસનથી જ નહીં પરંતુ લાદી દેવામાં આવેલા મૂલ્યો અને સંકુચિત વિશ્વ-દૃષ્ટિકોણથી પણ આઝાદી અપાવવામાં મદદ કરી. શાંતિ, ભાઇચારા અને સમાનતાના આપણા વર્ષો જૂના મૂલ્યોને ફરીથી અપનાવવામાં ક્રાંતિકારીઓ અને સુધારકોએ દૂરંદેશી તેમજ આદર્શવાદી વિભૂતિઓ સાથે મળીને કામ કર્યું. જે લોકોએ આધુનિક ભારતીય વિચારધારાને જન્મ આપ્યો તેમણે, “आ नो भद्राः क्रतवो यन्तु विश्वत:” – અર્થાત્ – આપણી પાસે તમામ દિશાઓમાંથી સાચા વિચારો આવે – એવા વૈદિક ઉપદેશ અનુસાર પ્રગતિશીલ વિચારોને પણ આવકાર્યા. લાંબા અને ઊંડા મંથનના પરિણામસ્વરૂપે આપણું બંધારણ ઘડવામાં આવ્યું.

આપણો આ મૂળભૂત દસ્તાવેજ, દુનિયાની સૌથી પ્રાચીન જીવંત સંસ્કૃતિના માનવતાવાદી દર્શનની સાથે સાથે આધુનિક વિચારોથી પણ પ્રેરિત છે. આપણો દેશ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરનો હંમેશા ઋણી રહેશે, જેમણે પ્રારૂપ સમિતિની અધ્યક્ષતા કરી અને બંધારણને અંતિમ સ્વરૂપ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. આ દિવસે, આપણે બંધારણનો પ્રારંભિક મુસદ્દો તૈયાર કરનારા ધારાશાસ્ત્રી શ્રી બી.એન. રાવ અને અન્ય નિષ્ણાતો તેમજ અધિકારીઓને પણ યાદ કરવા જોઈએ જેમણે બંધારણના નિર્માણમાં મદદ કરી હતી. આપણને એ વાતનું ગૌરવ છે કે, તે બંધારણ સભાના સભ્યોએ ભારતના તમામ પ્રદેશો અને સમુદાયોનું પ્રતિનિધિત્વ કર્યું. બંધારણના નિર્માણમાં સભાની 15 મહિલા સભ્યોએ પણ યોગદાન આપ્યું.

બંધારણમાં ગર્ભિત આદર્શોએ નિરંતર આપણાં ગણતંત્રને માર્ગ ચિંધ્યો છે. આ સમય દરમિયાન, ભારત એક ગરીબ અને નિરક્ષર રાષ્ટ્રની સ્થિતિમાંથી પ્રગતિ કરીને વૈશ્વિકમંચ પર આત્મવિશ્વાસથી છલકાતા એક રાષ્ટ્રનું સ્થાન લઈ ચુક્યું છે. બંધારણના ઘડવૈયાઓની સામૂહિક બુદ્ધિમતાથી મળેલા માર્ગદર્શન વગર આ પ્રગતિ શક્ય નહોતી.

બાબાસાહેબ આંબેડકર અને અન્ય વિભૂતિઓએ આપણને એક માનચિત્ર અને નૈતિક આધાર પૂરાં પાડ્યાં. તે માર્ગે ચાલવાની જવાબદારી આપણાં સૌની છે. આપણે ઘણી હદ સુધી તેમની અપેક્ષાઓમાં ખરા ઉતર્યાં છીએ, પરંતુ આપણને અનુભવાય છે કે, ગાંધીજીના ‘સર્વોદય’ના આદર્શો પ્રાપ્ત કરવાનું અર્થાત્ સૌનો ઉત્કર્ષ કરવાનું હજું બાકી છે. છતાં પણ, આપણે તમામ ક્ષેત્રોમાં ઉત્સાહજનક પ્રગતિ કરી છે.

સર્વોદયના આપણા મિશનમાં, આર્થિક મોરચે થયેલી પ્રગતિ સૌથી વધુ ઉત્સાહજનક રહી છે. ગયા વર્ષે ભારત, દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું. એ પણ ઉલ્લેખનીય છે કે, આ સિદ્ધિ આર્થિક અનિશ્ચિતતાથી ભરેલી વૈશ્વિક પૃષ્ઠભૂમિમાં પ્રાપ્ત કરવામાં આવી છે. વૈશ્વિક મહામારી ચોથા વર્ષમાં પ્રવેશી ગઈ છે અને દુનિયાના મોટા ભાગના હિસ્સામાં આર્થિક વિકાસ પર તેની અસર પડી રહી છે. પ્રારંભિક સમયમાં કોવિડ-19થી ભારતની અર્થવ્યવસ્થાને પણ ઘણું નુકસાન થયું હતું. છતાં પણ, સમર્થ નેતૃત્વ અને અસરકારક સંઘર્ષશીલતાના બળે આપણે ખૂબ ઝડપથી મંદીમાંથી બહાર આવી ગયા અને આપણી વિકાસ યાત્રાને ફરી શરૂ કરી દીધી. અર્થવ્યવસ્થાનો મોટાભાગનો હિસ્સો હવે મહામારીની અસરમાંથી બહાર આવી ગયો છે. ભારત, સૌથી ઝડપથી વધી રહેલી મોટી અર્થવ્યવસ્થાઓમાંથી એક છે. સરકાર દ્વારા સમયસર કરવામાં આવેલા સક્રિય પ્રયાસો દ્વારા જ આ શક્ય બન્યું છે. આ સંદર્ભમાં ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન પ્રત્યે લોકોમાં વિશેષ ઉત્સાહ દેખાઇ રહ્યો છે. તેમજ, વિવિધ ક્ષેત્રો માટે પ્રોત્સાહન યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવી રહી છે.

ઘણા સંતોષની વાત છે કે, જેઓ હાંસિયામાં ધકેલાઇ ગયા હતા, તેમને પણ યોજનાઓ અને કાર્યક્રમોમાં સમાવવામાં આવ્યા છે અને મુશ્કેલીમાં તેમની મદદ કરવામાં આવી છે. માર્ચ 2020માં જાહેર કરાયેલી ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’નો અમલ કરીને, સરકારે એવા સમયે ગરીબ પરિવારો માટે ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરી જ્યારે આપણા દેશવાસીઓ કોવિડ-19 મહામારીના કારણે આકસ્મિક રીતે ઉભા થયેલા આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. આ સહાયના કારણે જ કોઇએ ભૂખ્યા પેટે ઉંઘવાની નોબત નહોતી આવી. ગરીબ પરિવારોના હિતને સર્વોપરી રાખીને આ યોજનાની મુદત વારંવાર લંબાવવામાં આવી અને લગભગ 81 કરોડ દેશવાસીઓને તેનો લાભ મળ્યો. આ સહાયને આગળ વધારીને સરકારે જાહેરાત કરી છે કે, વર્ષ 2023 દરમિયાન પણ લાભાર્થીઓને તેમનું માસિક રેશન વિનામૂલ્યે મળતું રહેશે. આ ઐતિહાસિક પગલાંથી, સરકારે નબળા વર્ગોને આર્થિક વિકાસમાં સામેલ કરવાની સાથે સાથે, તેમની સંભાળની જવાબદારી પણ ઉપાડી છે.

આપણી અર્થવ્યવસ્થાનો આધાર સુદૃઢ થવાથી, આપણે ઉપયોગી પ્રયાસોનો સિલસિલો શરૂ કરવામાં અને તેને આગળ વધારવામાં સમર્થ બની શક્યા છીએ. આપણું છેવટનું લક્ષ્ય એક એવા માહોલનું સર્જન કરવાનું છે જેનાથી તમામ નાગરિક વ્યક્તિગત અને સામૂહિક રીતે, પોતાની વાસ્તવિક ક્ષમતાઓનો પૂરેપૂરો ઉપયોગ કરે અને તેમનું જીવન ખીલે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે શિક્ષણ જ આધારશિલા તૈયાર કરે છે, આથી ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’માં મહત્વાકાંક્ષી પરિવર્તનો કરવામાં આવ્યા છે. શિક્ષણના બે મુખ્ય ઉદ્દેશ કહી શકાય. એક તો, આર્થિક તેમજ સામાજિક સશક્તિકરણ અને બીજો, સત્યની શોધ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ બંને લક્ષ્યો પ્રાપ્ત કરવાનો માર્ગ પ્રશસ્ત કરે છે. આ નીતિ શિક્ષાર્થીઓને એકવીસમી સદીના પડકારો માટે તૈયાર કરીને આપણી સંસ્કૃતિ આધારિત જ્ઞાનને સમકાલિન જીવન માટે પ્રાસંગિક બનાવે છે. આ નીતિમાં, શિક્ષણની પ્રક્રિયાનું વિસ્તરણ અને ઊંડાણ પૂરું પાડવા માટે ટેકનોલોજીની મહત્વપૂર્ણ ભૂમિકાને રેખાંકિત કરવામાં આવી છે.

આપણને કોવિડના પ્રારંભિક તબક્કામાં એ જોવા મળ્યું કે, ટેકનોલોજીમાં જીવનને બદલવાનું સમાર્થ્ય હોય છે. ‘ડિજિટલ ઇન્ડિયા મિશન’ અંતર્ગત ગામડા અને શહેરો વચ્ચેનું અંતર દૂર કરીને, ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજીને સમાવેશી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દૂરસ્થ વિસ્તારોમાં વધુમાં વધુ લોકો ઇન્ટરનેટનો લાભ ઉઠાવી રહ્યાં છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલા વિસ્તરણની મદદથી, લોકોને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ પ્રકારની સેવાઓ મળી રહી છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે આપણી સિદ્ધિઓ પર આપણે ગર્વ અનુભવી શકીએ છીએ. અવકાશ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારત કેટલાક ગણતરીના અગ્રણી દેશોમાંથી એક છે. આ ક્ષેત્રમાં લાંબા સમયથી પડતર સુધારાઓ હાથ ધરવામાં આવી રહ્યા છે, અને હવે ખાનગી ઉદ્યમોને આ વિકાસ-યાત્રામાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતીય અવકાશયાત્રીઓને લઈ જવા માટે ‘ગગનયાન’ કાર્યક્રમ પ્રગતિ હેઠળ છે. ભારતની આ પ્રથમ માનવસહિત અવકાશ-ઉડાન હશે. આપણે તારાઓ સુધી પહોંચ્યા પછી પણ આપણા પગ જમીન પર રાખીએ છીએ.

ભારતનું ‘મંગળ મિશન’ અસાધારણ મહિલાઓની એક ટીમ દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું, અને અન્ય ક્ષેત્રોમાં પણ બહેનો-દીકરીઓ હવે પાછળ નથી રહી. મહિલા સશક્તિકરણ તેમજ મહિલા અને પુરુષો વચ્ચે સમાનતા હવે માત્ર સૂત્ર નથી રહ્યાં. આપણે તાજેતરના વર્ષોમાં આ આદર્શો સુધી પહોંચવાની દિશામાં ઘણી પ્રગતિ કરી છે. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનમાં લોકોની ભાગીદારી પર ભાર મૂકીને દરેક કાર્યક્ષેત્રમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધી રહ્યું છે. રાજ્યોની મારી મુલાકાતો, શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્યક્રમો અને પ્રોફેશનલોના વિવિધ પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત દરમિયાન, હું યુવતીઓના આત્મવિશ્વાસથી ખૂબ પ્રભાવિત થઉં છું. મારા મનમાં એ વાતે કોઈ જ શંકા નથી કે, મહિલાઓ આવતીકાલના ભારતને ઘડવામાં સૌથી વધુ યોગદાન આપશે. જો અડધી વસ્તીને રાષ્ટ્ર-નિર્માણમાં પોતાની શ્રેષ્ઠ ક્ષમતાઓ અનુસાર યોગદાન આપવા માટે તક પૂરી પાડવામાં આવે અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવે, તો એવો કયો ચમત્કાર છે જે ન કરી શકાય?

સશક્તિકરણની આ જ દૃશ્ટિ અનુસૂચિત જાતીઓ અને અનુસૂચિત જનજાતીઓ સહિત, નબળા વર્ગના લોકો માટે સરકારની કાર્યપ્રણાલીનું માર્ગદર્શન કરે છે. વાસ્તવમાં, આપણો ઉદ્દેશ માત્ર એ લોકોના જીવનના અવરોધો દૂર કરવાનો અને તેમના વિકાસમાં મદદ કરવાનો નથી, પરંતુ એ સમુદાયો પાસેથી શીખવાનો પણ છે. ખાસ કરીને જનજાતીય સમુદાયના લોકો, પર્યાવરણનું રક્ષણ કરવાથી લઈને સમાજને વધુ એકજૂથ બનાવવા સુધીના ઘણા ક્ષેત્રોમાં શીખવી શકે છે.

શાસનના તમામ પાસાઓમાં પરિવર્તન લાવવા અને લોકોની રચનાત્મક ઉર્જાને ઉજાગર કરવા માટે તાજેતરના વર્ષોમાં કરવામાં આવેલા શ્રેણીબદ્ધ પ્રયાસોના પરિણામસ્વરૂપે, હવે વિશ્વ સમુદાય ભારતને સન્માનની નવા દૃષ્ટિથી જુએ છે. વિશ્વના વિવિધ મંચો પર આપણી સક્રિયતાથી સકારાત્મક પરિવર્તન આવવાનું શરૂ થઈ ગયું છે. ભારતે વિશ્વ મંચ પર જે સન્માન મેળવ્યું છે, તેના પરિણામે દેશને નવી તકો અને જવાબદારીઓ પણ મળી છે. આપ સૌ જાણો છો તેમ, આ વર્ષે ભારત G-20 દેશોના સમૂહની અધ્યક્ષતા કરી રહ્યું છે. વિશ્વ બંધુત્વના આપણાં આદર્શને અનુરૂપ, આપણે સૌના માટે શાંતિ અને સમૃદ્ધિના પક્ષમાં છીએ. G-20નું અધ્યક્ષપદ એક બહેતર વિશ્વનું નિર્માણ કરવામાં યોગદાન આપવા માટે ભારતને ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા પૂરી પાડે છે. આ પ્રકારે, G-20ની અધ્યક્ષતા, લોકશાહી અને બહુપક્ષીયવાદને પ્રોત્સાહન આપવા માટે એક સારી તક પણ છે, સાથે જ, એક બહેતર વિશ્વ અને વધુ સારા ભવિષ્યને આકાર આપવાનો યોગ્ય મંચ પણ છે. મને વિશ્વાસ છે કે, ભારતના નેતૃત્વમાં G-20 વધુ ન્યાયી અને સ્થિરતાપૂર્ણ વિશ્વ વ્યવસ્થાના નિર્માણ માટે પોતાના પ્રયાસોને આગળ ધપાવવામાં સફળ રહેશે.

G-20ના સભ્ય દેશો આખી દુનિયાની કુલ વસ્તીમાંથી લગભગ બે તૃત્યાંશ વસ્તીમાં અને વૈશ્વિક GDPમાં લગભગ 85 ટકા હિસ્સો ધરાવે છે, આથી વૈશ્વિક પડકારો પર ચર્ચા કરવા અને તેના ઉકેલ લાવવા માટે એક આદર્શ મંચ છે. મારા મતે, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ, એવા પડકારો છે જેનો ઉકેલ તાકીદે લાવવાની જરૂર છે. વૈશ્વિક તાપમાન વધી રહ્યું છે અને હવામાનમાં પરિવર્તનના આત્યંતિક સ્વરૂપો જોવા મળી રહ્યાં છે. આપણી સામે ગંભીર દ્વિધા છે: વધુમાં વધુ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા માટે આર્થિક વિકાસ જરૂરી છે, પરંતુ આ વિકાસ માટે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ પણ કરવો પડે છે. કમનસીબે, ગ્લોબલ વોર્મિંગની સૌથી વધુ યાતના ગરીબ વર્ગના લોકોએ સહન કરવી પડે છે. ઊર્જાના વૈકલ્પિક સ્રોતોનો વિકાસ કરવો અને તેને લોકપ્રિય બનાવવવા, એ પણ એક ઉકેલ છે. ભારતે સૌર ઉર્જા અને ઇલેક્ટ્રિક વાહનોને નીતિગત પ્રોત્સાહનો આપીને આ દિશામાં પ્રશંસનીય પગલું ભર્યું છે. જો કે, વૈશ્વિક સ્તરે, વિકસિત દેશો દ્વારા ટેકનોલોજી ટ્રાન્સફર અને આર્થિક સહાયતા આપીને, ઉભરતી અર્થવ્યવસ્થાઓને મદદ કરવાની જરૂર છે.

વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવી રાખવા માટે આપણે પ્રાચીન પરંપરાઓને નવા દૃષ્ટિકોણથી જોવી પડશે. આપણે આપણી મૂળભૂત પ્રાથમિકતાઓ અંગે પણ પુનર્વિચાર કરવો પડશે. પરંપરાગત જીવન-મૂલ્યોના વૈજ્ઞાનિક પરિમાણોને સમજવા પડશે. આપણે ફરી એકવાર પ્રકૃતિ પ્રત્યે આદરની ભાવના અને અનંત બ્રહ્માંડ સમક્ષ વિનમ્રતાની ભાવનાને જાગૃત કરવી પડશે. હું એ વાત તરફ ધ્યાન દોરવા માંગુ છું કે, મહાત્મા ગાંધી આધુનિક યુગના સાચા સ્વપ્નદૃષ્ટા હતા, કારણ કે તેમણે અનિયંત્રિત ઔદ્યોગિકીકરણના કારણે થનારી આપત્તિઓને પહેલાંથી પારખી લીધી હતી અને દુનિયાને પોતાની રીત-ભાતોમાં સુધારો કરવા માટે સચેત કરી હતી.

જો આપણે ઈચ્છિએ કે આપણા બાળકો આ ધરતી પર સુખમય જીવન જીવી શકે તો, આપણે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવાની જરૂર છે. આ સંદર્ભમાં સૂચવેલા પરિવર્તનોમાંથી એક ફેરફાર ભોજન સંબંધિત છે. મને એ જાણીને આનંદ થયો કે, સંયુક્ત રાષ્ટ્રએ ભારતનું સૂચન સ્વીકાર્યું છે અને વર્ષ 2023ને ‘ધ ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ તરીકે જાહેર કર્યું છે. બાજરી જેવા બરછટ અનાજ આપણા આહારનો મુખ્ય ભાગ હતા. સમાજના તમામ વર્ગો તેને ફરીથી પસંદ કરવા લાગ્યા છે. આવું અનાજ પર્યાવરણને અનુકૂળ છે, કારણ કે તેની ઉપજ ઓછા પાણીમાં જ થઈ જાય છે. આ અનાજ ઉચ્ચ સ્તરનું પોષણ પણ આપે છે. જો વધુને વધુ લોકો તેમના ભોજનમાં બરછટ અનાજનો સમાવેશ કરશે, તો તેનાથી પર્યાવરણના સંરક્ષણમાં મદદ મળશે અને લોકોના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.

ગણતંત્રનું વધુ એક વર્ષ વીતી ગયું છે અને એક નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. આ સમય અભૂતપૂર્વ પરિવર્તનનો રહ્યો છે. મહામારીના પ્રકોપથી દુનિયા માત્ર થોડા દિવસોમાં જ બદલાઈ ગઈ હતી. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન, જ્યારે પણ આપણને લાગ્યું કે આપણે વાઇરસને કાબુમાં લઈ લીધો છે, ત્યારે વાઇરસ ફરીથી કોઈ વિકૃત સ્વરૂપમાં પાછો આવી જાય છે. પરંતુ, હવે ગભરાવાની જરૂર નથી, કારણ કે આપણે સમજી ગયા છીએ કે આપણું નેતૃત્વ, આપણા વૈજ્ઞાનિકો અને ડૉકટરો, આપણા પ્રશાસકો અને ‘કોરોના યોદ્ધાઓ’ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે શક્ય હોય તેવા તમામ પ્રયાસ કરશે. સાથે સાથે, આપણે એ પણ શીખ્યા છીએ કે આપણે આપણાં રક્ષણમાં કસર નહીં રાખીએ અને સતર્ક રહીશું.

વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા અનેક પેઢીઓના લોકો આપણાં ગણતંત્રની અત્યાર સુધીની વિકાસગાથામાં અમૂલ્ય યોગદાન આપવા બદલ પ્રશંસાને પાત્ર છે. હું ખેડૂતો, શ્રમિકો, વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની ભૂમિકાની પ્રશંસા કરું છું, કારણ કે તેમની સામૂહિક શક્તિ આપણા દેશને “જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન”ની ભાવનાને અનુરૂપ પ્રગતિ કરવા માટે સમર્થ બનાવે છે. હું, દેશની પ્રગતિમાં યોગદાન આપનાર દરેક નાગરિકની પ્રશંસા કરું છું. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના અગ્રદૂત, પ્રવાસી ભારતીયોનું પણ હું અભિવાદન કરું છું.

આ અવસરે હું, એ તમામ બહાદુર જવાનોની વિશેષરૂપે પ્રશંસા કરું છું, જે આપણી સરહદોનું રક્ષણ કરે છે અને કોઈપણ ત્યાગ તેમજ બલિદાન માટે હરહંમેશ તૈયાર રહે છે. દેશવાસીઓને આંતરિક સુરક્ષા પૂરી પાડનાર તમામ અર્ધલશ્કરી દળો અને પોલીસદળોના બહાદુર જવાનોની પણ હું પ્રશંસા કરું છું. આપણી સેનાઓ, અર્ધલશ્કરી દળો અને પોલીસદળોના જે વીરોએ ફરજ નિભાવતી વખતે પોતાના પ્રાણોની આહૂતિ આપી છે તે સૌને સાદર વંદન કરું છું. હું તમામ વ્હાલા બાળકોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હૃદયપૂર્વક આશીર્વાદ આપું છું. આપ સૌ દેશવાસીઓને ફરી એકવાર ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code