કાંકરિયાઃ અટલ એક્સપ્રેસના પાટા બદલાશે, સેકન્ડ હેન્ડ પાટા નાખવાનો નિર્ણય
અમદાવાદઃ શહેરના કાંકરિયા તળાવ ખાતે વર્ષે-દહાડે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. એટલું જ નહીં અહીંની વિવિધ રાઈડનો પણ આનંદ માણે છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં અહીં અટલ એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. બાળકો સહિત મોટેરા માટે શરૂ કરવામાં આવેલી આ ટ્રેન આજે કાંકરિયાની એક ઓળખ બની ગઈ છે. દરમિયાન મનપા તંત્ર દ્વારા ટ્રેનના પાડા બદલવાનો નિર્ણય કરાયો છે. પાટા 12 વર્ષ જૂના હોવાથી તેને બદલવાનો નિર્ણય કરાયો છે. જો કે, ખર્ચ બચાવવા માટે સેકન્ડ હેન્ડ પાટા નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમનના જણાવ્યા અનુસાર જો નવા પાટા નાખવામાં આવે તો મોટો ખર્ચ થવાની શકયતા છે. એટલે સેકન્ડ હેન્ડ પાટા નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કામગીરી લગભગ 50 લાખમાં થવાનો અંદાજ છે. જો કે, પાટાની મજબુતાઈ અને જરૂરી નિરીક્ષણ બાદ જ સેકન્ડ હેન્ડ પાટાના નાખવામાં આવશે. સેકન્ડ હેન્ડ પાટા નાખવાથી કોઈ અકસ્માત ન તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાંકરિયા ખાતે તંત્ર દ્વારા કરોડોના ખર્ચે વિકાસ કરવામાં આવ્યો છે. તેમજ દરરોજ મોટી સંખ્યામાં શહેરીજનો કાંકરિયાની મુલાકાત લેશે. એટલું જ નહીં અગાઉ કાંકરિયામાં રાઈડ દૂર્ઘટના પણ સર્જાઈ હતી. ત્યારે હવે અટલ એક્સપ્રેસ ટ્રેન માટે સેકન્ડ હેન્ડ પાટા નાખવાના તંત્રના નિર્ણયથી લોકોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. તેમજ તંત્રના આ નિર્ણયનો આગામી દિવસોમાં વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવે તેવી શકયતા છે.