ગુજરાતમાં કાતિલ ઠંડીઃ જનજીવન ઉપર વ્યાપક અસર, અમદાવાદ-ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો
અમદાવાદઃ ગુજરાતમાં ફરીથી હાર્ડ થીજતી ઠંડી રહી છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરમિયાન રાજ્યના નવ જેટલા શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 10ની અંદર પહોંચ્યો છે. જ્યારે અમદાવાદમાં 10 વર્ષના સમયગાળામાં સૌથી વધારે ઠંડી નોંધાઈ છે. અમદાવાદમાં લગભગ 6.7 જેટલુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં ઠંડી વધતા જનજીવન ઉપર અસર પડી રહી છે. લોકોથી ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને રાત્રિના સમયે તાપણાનો સહારો લઈ રહ્યાં છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં આગામી ચાર દિવસ પણ કાતિલ ઠંડીનું જોર યથાવત્ રહેશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસરનાં કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધી ગયુ છે. અમદાવાદ, ગાંધીનગર સહિતનાં અન્ય શહેરોમાં ઠંડીએ તેનો છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. પાટનગર ગાંધીનગરમાં ઠંડીની પ્રમાણ વધ્યુ છે. જેમાં 4.3 ડિગ્રી સાથે જાન્યુઆરી માસનું રેકોર્ડ સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં પણ 6.7 ડિગ્રી સાથે ઠંડીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડયો હતો. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે છે. ગુજરાતની નજીક આવેલા માઉન્ટ આબુમાં તાપમાન એક જ દિવસમાં નવ ડિગ્રી ગગડતા માયનસ ચાર ડિગ્રી અને ગુરૂશિખરમાં માયનસ સાત ડિગ્રી નોધાતાં બરફની પાતળ ચાદર છવાઇ હતી અને માઉન્ટ આબુમાં એકાએક ઠંડી વધી જતાં જનજીવનને અસર થઇ હતી. ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.