વિધાનસભાનું ચોમાસુ સત્ર 21મીથી 23મી ઓગસ્ટ દરમિયાન યોજાશે, સત્ર લંબાવવા કોંગ્રેસની માગ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર આગામી તા. 21મી ઓગસ્ટથી 23મી ઓગસ્ટ દરમિયાન મળશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતેસત્ર માટે આહવાન કર્યું છે. સત્રનો પ્રારંભ તા.21મીને બુધવારે બપોરે 12 કલાકે થશે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજ્યપાલે જાહેર કરેલા સરકારી ગેઝેટ મુજબ 21 ઓગસ્ટે બપોરે 12 કલાકેથી ચોમાસું સત્ર બોલાવવાની જાહેરાત કરી છે. વિરોધ પક્ષે ગૃહમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે સરકારને ઘેરવા તૈયારી કરી હતી, પરંતુ ટુંકું સત્ર બોલાવી સરકારે ઔપચારિકતા પૂરી કરવાની પેરવી કરતા કોંગ્રેસે ચોમાસુ સત્ર 5થી 6 દિવસ માટે બોલાવવાની માગ કરી છે. રાજ્યમાં ભરતીને લઇને થયેલા વિવાદો, રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ, તૂટેલા રોડ સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ ઉગ્ર વિરોધ કરવાના મૂડમાં છે. ત્યારે વિરોધ પક્ષનો વિરોધ કરવાનો અધિકાર પણ સરકારે છીનવી લીધો હોવાનો આક્ષેપ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ કર્યો હતો. ચાવડાએ કહ્યું હતું કે, બંધારણીયરીતે છ મહિનામાં એક વખત સત્ર મળવું જરૂરી છે, વધુ દિવસ માટે સત્ર બોલાવાય તો જનતાના પ્રશ્નો ધારાસભ્યો પૂછી શકે. સરકાર ભાજપના તંત્રમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને છાવરવા ચર્ચાથી દૂર ભાગી રહી છે.
ગુજરાત વિધાનસભામાં ભાજપની બેઠક 156થી વધીને 161ની થઈ છે, જ્યારે કોંગ્રેનું સંખ્યાબળ માત્ર 12 ધારાસભ્યોનું છે. એક સમયે કોંગ્રેસને સિનિયર લીડર એવા અર્જુન મોઢવાડિયા અને સી.જે.ચાવડા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી પ્રથમ વખત વિધાનસભામાં ભાજપ તરફથી હાજરી આપશે. આ હાજરી વખતે તેમને ભાજપ દ્વારા કઇ બેઠક વ્યવસ્થા પર બેસાડવામાં આવે છે તેના પર સૌની મીટ છે. કોંગ્રેસમાં બંન્ને નેતાઓ અગ્ર હરોળમાં બેસતા હતા ત્યારે ભાજપમાં તેમનો માન-મરતબો કેવો જળવાય છે તેના પર સૌની મીટ રહેશે.