અમદાવાદઃ રાજ્યની વિવિધ જેલમાં સુરક્ષાના કારણોસર છેલ્લા કેટલાક સમયથી સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે, દરમિયાન પંચમહાલ જિલ્લાની ગોધરા સબજેલમાં સ્થાનિક સુરક્ષા એજન્સીઓએ સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેલમાં તપાસ દરમિયાન નવ જેટલા મોબાઈલ ફોન મળી આવ્યાં હતા. બે મોબાઈલમાં સીમ કાર્ડ એકટીવ હોવાનું સામે આવ્યુ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગોધરા સબજેલમાં સ્થાનિક એજન્સીઓની ટીમોએ સર્વેની કામગીરી આરંભી હતી. તમામ બેરેકની તપાસ તેમજ તમામ કેદીની જડતી કરતા 9 જેટલા ફોન મળી આવ્યા હતા. આ સમગ્ર મામલે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે ગુન્હો નોંધવાની કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામાં આવી છે. બે મોબાઈલ ફોનમાં એક્ટિવ હોવાનું જાણવા મળતા તેની ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. આ મોબાઈલ ફોન જેલમાં કેવી રીતે પહોંચ્યા અને ફોન મારફતે કોનો-કોનો સંપર્ક કરવામાં આવ્યો તેને લઈને તપાસ શરુ કરવામાં આવી છે. દરમિયાન મોબાઈલ ફોન તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપવાની કવાયત શરૂ કરાઈ હતી.
ભરૂચની સબજેલમાં પણ તાજેતરમાં જ ક્રાઈમબ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમોએ તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. મોડીરાત સુધી ચાલેલી તપાસ દરમિયાન SP જાતે પણ જેલમાં પહોંચ્યા હતા. સૂત્રો અનુસાર ભરૂચ પોલીસને સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન મહત્વની સફળતા પણ મળી હતી. જેલમાંથી 4 મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 4500 મળી આવ્યા હતા. પોલીસે આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવા તજવીજ પણ શરૂ કરી હતી.