પાલનપુરઃ રાજ્યમાં ઘણીબધી નગરપાલિકાઓ આર્થિક હાલત નબળી છે. ટેક્સની પુરતી આવક થતી ન હોવાથી નગરપાલિકાઓએ સરકારની ગ્રાન્ટ પર આધાર રાખવો પડે છે. ઘણી નગરપાલિકાઓ બાકી વીજળી બિલ પણ ભરી શકતી નથી. ઉત્તર ગુજરાતમાં બનાસકાઠામાં પાલનપુર સહિત અડધો ડઝન નગરપાલિકાના વીજ બિલ કરોડો રૂપિયા બાકી છે. ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપની નોટિસ ફટકારીને વીજ કનેક્શન કાપવાની ચીમકી આપી છે.
બનાસકાંઠા જિલ્લાની પાલનપુર, ડીસા, થરાદ, ધાનેરા, ભાભર, થરા, નગરપાલિકાઓમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા બાકી લેણાની રકમને લઈ નોટિસ આપવામાં આવી છે. જેમાં જિલ્લાની 6 નગરપાલિકાઓમાં કુલ 16 કરોડ 80 લાખની લેણાની રકમ બાકી હોવાથી વીજ કંપની અધિકારીએ કનેક્શન કાપવાની ચીમકી ઉચ્ચારી છે.
બનાસકાંઠા જિલ્લાની પાલનપુર નગરપાલિકા બાકી વીજ બિલ ભરી શકતી નથી. શહેરમાં કાર્યરત 55 વોટર વર્કસના વીજળીના બાકી બિલ 2.21 કરોડ ભરપાઈ ન કરાતા વીજ વિભાગે નગરપાલિકાને 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. શહેરીજનો ઘર વેરા, મિલ્કત વેરા સહીત ટેકસના પૈસા ન ભરે તો કડક ઉઘરાણી કરી મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરતી નગરપાલિકાઓ જ વીજ બીલ ભરવામાં દીવાળું ફૂંકી રહી છે. ત્યારે ડીસા બાદ હવે પાલનપુર નગરપાલિકા પણ બાકી વીજળી બિલ ભરી શકતી નથી.
પાલનપુર પાલિકાના વોટર વર્કસના વીજ જોડાણના 2,21,14,992 બાકી બીજ બીલ ભરપાઈ ન કરતા વીજ વિભાગે પાલનપુર નગરપાલિકાને નોટીસ ફટકારી છે અને 72 કલાકનું અલ્ટીમેટમ પાઠવ્યું છે. જો પાલનપુર નગરપાલિકા 72 કલાકમાં બાકી બીજબીલ ભરપાઈ નહીં કરે તો વીજ વિભાગ દ્વારા વોટર વર્કસનું વીજ જોડાણ કાપી દેવાની ચીમકી ઉચ્ચારતા નગરપાલિકાના સત્તાધિશોએ રાહત મેળવવા માટે ગાંધીનગર દોડી ગયા છે.
આ અંગે UGVCL ના સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નગરપાલિકા પર 2 કરોડ ઉપર લેણાંની રકમ બાકી છે. વોટર વર્કસ ડીસા નગરપાલિકા માં 8 કરોડ 20 લાખ બાકી છે, થરાદ નગરપાલિકામાં 46 લાખ બાકી છે. ધાનેરા નગરપાલિકામાં 3.77 કરોડ બાકી છે. ભાભર નગરપાલિકામાં 16 લાખ બાકી છે થરાદ નગરપાલિકામાં 2 કરોડ રૂપિયા બાકી છે. તમામ નગરપાલિકાઓને બાકી વીજ બિલો ભરવા 72 કલાકની નોટિસ આપી છે. ત્યાર પછી 24 કલાકની નોટિસ આપવામાં આવે છે.