- હાઈવે ઉબડ-ખાબડ હોવાથી વાહનચાલકો ત્રાસી જાય છે,
- કરદેજથી ભોજપુરી હાઈવે પર ઠેર ઠેર ઊંડા ખાડાં,
- અનેક રજુઆતો કરી છતાંયે મરામતનું કામ કરાયું નથી
ભાવનગરઃ અમદાવાદ-ભાવનગર સ્ટેટ હાઈવે પર વલ્લભીપુરથી ભાવનગર સુધીનો હાઈવે ખૂબજ બિસ્માર અને ઉબડ-ખાબડવાળો હોવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. જેમાં કરદેજથી ભોજપુરી સુધી તો હાઈવે પર ઠેર ઠેર ઊંડી ખાડા પડી ગયા છે. સ્ટેટ હાઈવે ઓથોરિટીને અનેકવાર રજુઆતો કરવા છતાંયે અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી.
ભાવનગરના વરતેજના રંગોલી રેલ્વે ફાટકથી શરૂ થતો ભાવનગર-અમદાવાદ રાજય ધોરી માર્ગ નંબર-36 ની હાલત ભંગાર અને તુટી ગયેલી છે. ભાવનગરથી વલ્લભીપુર સુધી હાઈવે પર ઠેર ઠેર ખાંડા જોવા મળી રહ્યા છે. ઉબડ-ખાબડ રોડથી વાહન ચાલકો ભારે રોષ વ્યકત કરી રહયાં છે. કરદેજથી ભોજપરા વચ્ચે તો એવા મોટા ખાડાઓ પડી ગયા છે કે વાહન કંઇ રીતે ચલાવું તેની મુંઝવણ ચાલકો અનુભવતા હોય છે, કરદેજ ભોજપરાનો રસ્તો પસાર કર્યા પછી ઉંડવી, નેસડા, ઘાંઘળીથી વલભીપુર સુધીનો હાઇવે પણ તુટીને ઉબડ-ખાબડ વાળો હોવા છતાં વાહન ચાલકો અને મુસાફરોને મહંદ અંશે સારો લાગે છે.
ભાવનગરથી વલ્લભીપુરનો 38 કિેમી.નો સ્ટેટ હાઇવે કેટલી હદે બિસ્માર થઇ ગયો છે. વાહનચાલકો કંટાળી ગયા છે. આ અંગે સ્થાનિક રાજકીય નેતાઓએ પણ સંબંધિત વિભાગને રજુઆતો કરી છે. પણ અધિકારીઓને કંઈ પડી નથી. સ્ટેટ હાઈવેની ઘણા લાંબા સમયથી આવી હાલત છે, છતાં તેને મરામત કેમ નથી કરાતો, આ પ્રશ્ને આ વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ ગાંધીનગરમાં રજુઆત કરે તેવી માગ ઊઠી છે. માર્ગ મકાન વિભાગના અધિકારીઓ માત્ર ઠાલા વચનો સાથે ખોટી માહિતી આપી રહ્યાં હોય તેમ સ્પષ્ટ પણે જણાય છે. બે માસ પહેલા જણાવ્યુ હતુ કે દિવાળી પહેલા કામ શરૂ થશે ત્યાર પછી પુછપરછ કરતા જણાવેલ કે હાલ કવોરી પ્લાન્ટવાળાની હડતાળ શરૂ હોય કપચી મળી શકે તેમ નથી. પરંતુ હવે તો હડતાળ પણ સમેટાઇ ગઇ છે. છતાંયે મરામતનું કામ શરૂ કરવામાં આવતું નથી.